કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને લઈ મોટો નિર્ણય કર્યો

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને લઈ મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકારે આજે એટલે કે, 3 ઓગસ્ટે લેપટોપ, ટેબલેટ, પર્સનલ કમ્પ્યુટર્સ ,અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ વસ્તુઓની આયાતને લાયસન્સ આધારે મંજૂરી આપવામાં આવશે. જાહેરાત અનુસાર કેટલાક કેસોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. વ્યક્તિગત ઉપયોગ અને સંશોધન વગેરે માટે લેપટોપ, ટેબલેટ વગેરે ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી.

લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર પ્રતિબંધ

પ્રાપ્ત વિગતો અનુસાર,સ્થાનિક મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા માટે એક સરકારી સૂચના અનુસાર ભારતે તાત્કાલિક અસરથી લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે હવે તેમની આયાતને પ્રતિબંધિત આયાત માટેના માન્ય લાયસન્સ સામે મંજૂરી આપવામાં આવશે. મહત્વનું છે કે, એપ્રિલ-જૂનમાં ઈલેક્ટ્રોનિક્સ આયાત જેમાં લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે તે વાર્ષિક ધોરણે 6.25% વધુ, $19.7 બિલિયન હતી.

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, બેન્ચમાર્કિંગ, રિપેરિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને રિ-એક્સપોર્ટના કેસોમાં આયાત લાયસન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આયાતની પરવાનગી એ શરત સાથે આપવામાં આવશે કે, આયાતી માલનો ઉપયોગ માત્ર ઉલ્લેખિત હેતુઓ માટે જ કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હેતુ પૂરા કર્યા પછી ઉત્પાદનનો નાશ કરવામાં આવશે અથવા ફરીથી નિકાસ કરવામાં આવશે.