કતારે ગુરુવારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી. કતારે કહ્યું કે યુદ્ધવિરામ આવતીકાલે એટલે કે શુક્રવાર (24 નવેમ્બર)થી શરૂ થશે. મોડી સાંજ સુધીમાં બંધકોને મુક્ત કરવામાં આવશે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ અન્સારીએ કહ્યું કે, શુક્રવારે સવારે 7 વાગ્યે યુદ્ધવિરામ શરૂ થશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે (સ્થાનિક સમય) બંધકોને મુક્ત કરવામાં આવશે. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 13 લોકોને મુક્ત કરવામાં આવશે. મુક્ત કરવામાં આવનાર બંધકોની યાદી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને સોંપવામાં આવી છે. આ સાથે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધમાં પ્રથમ વખત વિરામ જોવા મળશે. કરાર હેઠળ ગુરુવારથી જ યુદ્ધવિરામ શરૂ થવાનો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં શું છે?
ઇઝરાયેલ અને હમાસ ચાર દિવસના અસ્થાયી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. કરાર હેઠળ હમાસ 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં 50 બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલની કેબિનેટે કતાર, ઇજિપ્ત અને અમેરિકાની મધ્યસ્થી કરાયેલા કરારને 35 મતથી મંજૂરી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વીર સહિત દૂર-જમણેરી ઓત્ઝમા યેહુદિત પક્ષના પ્રધાનોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં કહ્યું હતું કે ગાઝામાં બંધક બનાવવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોને ચાર દિવસમાં મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુક્ત કરાયેલા દરેક 10 વધારાના બંધકો માટે યુદ્ધવિરામ બીજા દિવસ માટે લંબાવવામાં આવશે.
કેટલા લોકોને બંધક બનાવ્યા?
સમાચાર એજન્સીએ ઈઝરાયેલી સેનાને ટાંકીને કહ્યું કે તેણે યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં વેસ્ટ બેંકમાં 1,850 થી વધુ પેલેસ્ટાઈનીઓને અટકાયતમાં લીધા છે, જેમાંથી મોટાભાગના હમાસના શંકાસ્પદ સભ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ હમાસે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 240 લોકોને બંધક બનાવ્યા છે.
કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?
હમાસે ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે સવારે રોકેટ હુમલો કરીને ઘૂસણખોરી કરી હતી. આ પછી ઈઝરાયલે પણ વળતો જવાબ આપતા કહ્યું કે અમે યુદ્ધમાં છીએ અને જીતીશું. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ગાઝામાં યુદ્ધ બાદથી અત્યાર સુધીમાં 14 હજાર 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, હમાસના હુમલાને કારણે ઇઝરાયેલમાં 1,200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.