આપ પાર્ટીના ભૂતપૂર્વ વિધાનસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા

નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના સહ-પ્રભારી ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIએ દરોડા પાડ્યા છે.  CBIએ આ દરોડા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટથી જોડાયેલા મામલામાં પાડ્યા છે. આ દરોડા અંગે AAPએ આરોપ લગાવ્યો છે કે દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ વિદેશી ફન્ડિંગ (FCRA)થી જોડાયેલો મામલો છે. CBIના દરોડાને લઈને આપ પાર્ટીએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપનો ગંદો ખેલ ફરીથી શરૂ થયો છે. એ પક્ષને ખતમ કરવા દરેક દાવ અજમાવી રહ્યો છે.

દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યના આવાસ પર CBI દરોડાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી હતી. ભૂતપૂર્વ CM આતિશી, ભૂતપૂર્વ નાયબ CM મનીષ સિસોદિયા અને જેસ્મિન શાહ સહિત અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી.

મનીષ સિસોદિયાએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે  2027માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાડવામાં આવ્યા છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ભાજપનું કાવતરું છે. ભાજપ જાણે છે કે ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેને ચેલેન્જ કરી શકે છે. આ હકીકતે ભાજપને હચમચાવી દીધી છે.

દુર્ગેશ પાઠકના ઘરે CBI દરોડાનો દાવો કરતાં રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે ભાજપની ગંદી રમત શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પ્રભારીના ઘરે CBI પહોંચી છે. મોદી સરકારે આમ આદમી પાર્ટીને ખતમ કરવાની તમામ યુક્તિ અજમાવી છે તેમ છતાં તેમને શાંતિ નથી મળી. ગુજરાતમાં ભાજપની સ્થિતિ કથળી રહી છે. આમ આદમી પાર્ટીએ જેવું દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીના પ્રભારી બનાવ્યા તેમને ધમકાવવા માટે CBI મોકલી દેવામાં આવી છે.