થોડા સમય પહેલા એક ગુજરાતી ફિલ્મ આવી હતી કાશી રાઘવ. ફિલ્મના મુખ્ય પાત્રો કાશી રાઘવની ભારોભાર પ્રશંસા કરવામાં આવી. કાશીની ભૂમિકામાં દીક્ષા જોશીનું પર્ફોમન્સ દર્શકોને સ્પર્શી ગયું તો રાઘવના પાત્રમાં જયેશ મોરેની પણ સરાહના થઈ. જોકે, આપણે આ ફિલ્મ વિશે નહીં પણ ફિલ્મમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે જેમની મહત્વની ભૂમિકા રહી છે એવા અવની સોનીના સફર વિશે વાત કરવાની છે.
ઘણી વાર પડદા પર જોયેલા પાત્રોની આબેહુબ છબી મનમાં છપાઈ જાય છે. કલાકારો માટે પણ જે-તે પાત્રો તેઓની ઓળખ બની જાય છે. પાના પર લખેલા પાત્રને સ્ક્રિન પર લાવવા માટે એક્ટર્સની પસંદગી કરવાનું કામ કંઈ સહેલુ નથી. ફક્ત બોલીવુડમાં જ નહીં પણ ગુજરાતી ફિલ્મોમાં પણ કાસ્ટિંગ પ્રક્રિયા ઘણી વ્યાપક છે, જેમાં ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. આ કામ કરનારને કાસ્ટિંગ ડિરેક્ટર કહેવાય છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેટક્ટર તરીકે સક્રિય અવની સોનીએ ચિત્રલેખા સાથે ખાસ વાતચીત કરી. જેમાં ગુજરાતી ફિલ્મ્સ, કાસ્ટિંગની પ્રક્રિયા અને એક્ટર્સની પસંદગી પાછળના પરિબળોનો ખાસ ઉલ્લેખ કર્યો.
કેવી રીતે પકડી મનોરંજન જગતની રાહ?
સુરેનદ્રનગરમાં જન્મેલા અવની સોનીએ વર્ષ 2011માં ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે કરિયરની શરૂઆત કરી. તેમના પિતા પત્રકાર હોવાથી તેઓ ઈચ્છતા હતાં કે અવની પત્રકાર બને પરંતુ તેણીએ મનોરંજન જગતમાં પોતાની એક અલગ રાહ પસંદ કરી, જેમાં પરિવારે સંપૂર્ણ સહકાર આપ્યો. શરૂઆતમાં અવની સોની, અમદાવાદમાં પ્રોગ્રામ કે ઈવેન્ટ માટે મુંબઈથી આર્ટિસ્ટ બોલાવવા હોય તો તે મેનેજ કરતા હતાં. બાલાજી ટેલિફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન અને યશરાજ બેનરની ફિલ્મોની અમદાવાદમાં પ્રમોશન ઈવેન્ટ પણ કરતાં અને સાથે સાથે મુંબઈના પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ પણ કરતાં. અવની સોનીએ ચિત્રલેખા સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘2016માં મને પહેલી ગુજરાતી ફિલ્મ તંબુરો મળી, જેમાં મેં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યુ. કાસ્ટિંગની પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજવા અને મારા કામને ન્યાય આપવા માટે મેં ઘણું બઘું રિસર્સ અને જાણકારી મેળવી.’
કાસ્ટિંગની પ્રક્રિયામાં સૌથી વધુ પડકારજનક શું છે?
તબુંરો બાદ અવની સોનીએ ‘છૂટી જશે છક્કા’, ‘લવની લવ સ્ટોરીઝ’,’બચુભાઈ’ અને થોડા સમય પહેલા આવી ‘કાશી રાઘવ’ સહિત અનેક પ્રોજેક્ટ કર્યા. કાશી રાઘવનો અનુભવ શેર કરતાં અવની સોની જણાવે છે કે,’કાશી રાઘવ એક ખૂબ જ અલગ ફિલ્મ હતી. દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામીએ મને વાર્તા સંભળાવી,ફિલ્મમાં ગુજરાતી અને બંગાળી ભાષાઓનું મિશ્રણ હોવાથી મને ખબર હતી કે કાસ્ટિંગ થોડું પડકારજનક રહેશે. પરંતુ તે ખૂબ જ રસપ્રદ રહ્યું. અમે એવા પાત્રો શોધી રહ્યા હતા જે બંગાળી બોલી શકે. કાશીની ભૂમિકા માટે અન્ય વિકલ્પો હતા, પરંતુ જ્યારે પણ આપણે કોઈ ફિલ્મ બનાવીએ છીએ ત્યારે દિગ્દર્શક અને લેખક પાસે એક દ્રષ્ટિકોણ હોય છે. તેઓ પાત્રની કલ્પના કરે છે અને મનમાં સ્પષ્ટ દ્રષ્ટિ હોય છે. તેના આધારે લાગ્યું કે દીક્ષા કાશીના પાત્રમાં એકદમ ફિટ બેસે છે. એવી જ રીતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અન્ય એક્ટર્સની પસંદગી કરી. આ ફિલ્મ માટે કાસ્ટિંગ ખરેખર યાદગાર અનુભવ બની ગયો. ‘
કેવી રીતે થાય છે એક્ટર્સની પસંદગી?
કાસ્ટિંગની પ્રક્રિયા વિશે જણાવતાં અવની સોની કહે છે કે, ‘કાસ્ટિંગની વાત કરીએ તો હું ખુબ જ ચીવટપૂવર્ક કાસ્ટિંગ કરું છું. સામાન્ય રીતે બધાં એવું માનતાં હોય કે આપણું કામ છે કાસ્ટિંગ કરવાનુ સ્ટોરી ગમે તેવી હોય. પરંતુ મારો આવો દૃષ્ટિકોણ નથી. હું ફિલ્મની આખી સ્ટોરી સાંભળું છું અને જો મને વાર્તા ગમે તો જ પ્રોજેક્ટ હાથમાં લઉં છું. ફિલ્મની રાઈટિંગથી લઈ ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી હું પ્રોજેક્ટ સાથે જોડાયેલી રહું છું.’ કાસ્ટિંગની પ્રક્રિયામાં આવતાં પડકાર વિશે જણાવતાં તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલા તો સ્ક્રિપ્ટ વાંચવી ખૂબ જ જરૂરી છે. દરેક પાત્રોને સમજવા માટે સ્ક્રિપ્ટ વાંચવી અનિવાર્ય છે. વાર્તામાં પાત્રો કેવા કેવા પ્રકારના છે અને આ પાત્રોમાં કોણ-કોણ ફિટ બેસી શકે છે તે સમજવું અને તેનું હોમવર્ક કરવું એ પડકારજનક બાબત છે. ઘણી વાર એવું બને કે તમે જે એક્ટર્સની કલ્પના કરતા હોય એ ઓડિશન વખતે ખરાં ન પણ ઉતરી શકે. ઓડિશન અને સ્ક્રીનટેસ્ટની પ્રક્રિયા પણ ખુબ સાચવીને કરું છું. આ સાથે જ નિર્દેશક સાથેની તાલમેલ પણ મહત્વની છે. દિગ્દર્શકના વિઝનને સમજવું પણ એટલું જ આવશ્યક છે. જે તમને પાત્ર માટે યોગ્ય એક્ટર્સની પસંદગી કરવામાં મદદ કરે છે.’
ગુજરાતમાં ટેલેન્ટનો ભંડાર છે એવું કહેતાં અવની જણાવે છે કે તે દરેક પ્રોજેક્ટમાં નવા ચહેરા અને ઉભરતાં કલાકારોને કામની તક આપે છે. એકટર્સની પંસદ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખો છો? આ સવાલના જવાબમાં અવની સોનીએ કહ્યું,”ઘણી વાર એક્ટર્સની પસંદગી તેમનું ભૂતકાળનું કામ અને અનુભવના આધારે થતી હોય છે. સૌથી પહેલા તો ઓડિશન લેવું અગત્યની બાબત છે. ઓડિશન માટે આર્ટિસ્ટને વાર્તાનો એક નાનકડો ભાગ જ આપીએ છીએ. પણ એક્ટર્સને સ્ક્રિપ્ટ આપતી વખતે સારાંશ પણ સમજાવું છું. જેથી તે યોગ્ય રીતે પાત્રને સમજી શકે અને તેમા ઢળી શકે. જ્યારે હું ટીમ સાથે ઓડિશન જોવા બેસું ત્યારે સૌથી પહેલું ધ્યાન એ બાબત પર જાય છે કે એક્ટર્સ આપેલા પાત્રને કેટલી સહજતાથી પકડી શકે છે. આંખોની સાથે સાથે બોડી લેંગ્વેજ પણ મહત્વની છે. પાત્રને કેટલું સમજ્યા છે. પસંદગી કરતી વખતે આ મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન રાખીએ છીએ. ઘણી વાર કોઈમાં ક્ષમતા લાગે તો બીજી વાર પણ ઓડિશન લઈએ અને જોઈએ કે તે પાત્રને કેટલું સરળતાથી પકડી શકે છે.’
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માંગતા ઉભરતાં નવા ચહેરાઓ માટે અવની સોનીએ જણાવ્યું કે સૌથી પહેલા અભ્યાસ પૂરો કરો. સ્ટડીના ભોગે કોઈ શોખ પુરા ન કરો. બીજુ એ કે પોતાના પર કામ કરો અને ધીરજ રાખો. આ એટલી મોટી ઈન્ડસ્ટ્રી છે કે નિષ્ફળતા પણ ડગલે પગલે મળશે, તેથી ધીરજ રાખો અને રોજ કંઈકને કંઈક નવું શીખતા રહો. શક્ય હોય તો અભિનય માટે કોઈ પણ રીતે તાલીમ મેળવો. તમે થિયેટર પણ કરી શકો છો. થિયેટર મા જેવું છે, જે તમારું ઘડતર કરશે.
