સુરતઃ નવરાત્રિની ઉજવણી હવે નહીં કરી શકાય એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતના અમદાવાદ સહિત મોટા શહેરોમાં આ તહેવાર સાથે સંકળાયેલો વ્યવસાય કરતા ધંધાર્થીઓ સામે પણ આર્થિક પ્રશ્નો ઉભા થયા છે.
સુરતની વાત કરીએ તો અહીં સરસાણામાં આવેલા ઈન્ટરનેશનલ કન્વેશન સેન્ટરના ઈન્ડોર એસી ડોમમાં નવરાત્રિમાં 15000થી વધુ લોકો ગરબે ઘૂમે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં પણ રોજ 10,000થી વધુ લોકો રમણે ચડે. ત્રીજું મોટું આયોજન છે સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટના એસી ડોમની નવરાત્રિ. આ ત્રણની સાથે બીજા અનેક આયોજન થાય છે. સરસાણા કન્વેનશન સેન્ટર અને ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજન માટે તો લાખો રૂપિયાના ટેન્ડર નીકળે!
છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિનું આયોજન સોલ્યુશન્સ નામની ઇવેન્ટ કંપની કરે છે. આ કંપનીના ડેની નિર્બાન સુરતમાં યોજાયેલા અનેક મોટી ઇવેન્ટમાં સહભાગી રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ યોજવી ન જોઈએ એવી રજૂઆત મુખ્યમંત્રીને કરનારા પ્રતિનિધિમંડળમાં એ હતા.
ડેની નિર્બાન ચિત્રલેખા ને કહે છે કે ઓર્કેસ્ટ્રા, ગાયક, મંડપ-સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સેલિબ્રિટી મેનેજમેન્ટ, સિક્યુરિટી સર્વિસ, એડવર્ટાઈઝિંગ, પ્રિન્ટિંગ (એન્ટ્રી પાસ, બેનર) 40 થી 50 રોજિંદા મજૂર, ટ્રોફી-મોમેન્ટો બનાવનારા જેવા કેટલાય લોકો અમારી સાથે સંકળાયેલા હોય છે. એ તમામને આ વર્ષે નુકસાન છે. આ બધાને ભેગા કરવાનું કામ આયોજક કરે. નવરાત્રિ ન યોજવાનો નિર્ણય સારો જ છે. અલબત્ત, આર્થિક નુકસાન તો છે જ. આ ઉપરાંત એક વાત સમજવાની જરૂર છે. નવરાત્રિ દરમિયાન અમારો સંપર્ક અનેક લોકો સાથે થાય, સંબંધ બને. માર્કેટિંગમાં જેને નેટવર્કિંગ કહીએ છીએ તે ખૂબ થાય. નવરાત્રિના કારણે વર્ષ દરમિયાન ઇવેન્ટ યોજવાના કામ અમને મળતા રહે. એ રીતે જૂઓ તો નુકસાન અત્યારે દેખાય છે એના કરતાં પણ મોટું થવાનું છે અને આમાંથી ઉગારતા સહેજે એકાદ વર્ષ નીકળી જશે.
આવા બીજા કેટલાક કિસ્સા જોઈએ: ઘણી જગ્યાએ નવરાત્રિ માટે ગાવા-રમવાની તાલીમ ચારેક મહિના પહેલા શરૂ થઈ જાય. એકલા સુરતમાં દોઢિયા ગરબા શીખવતા 70થી વધુ ક્લાસ છે. છેલ્લા 25 વર્ષમાં અંદાજે 20,000 લોકોને ગરબાના સ્ટેપ્સ શીખવનાર ભાવિન કઢીવાલા ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ ચલાવે છે. દર વર્ષે સરેરાશ હજાર યુવક-યુવતી એ શીખવા આવે. ભાવિન કઢીવાલા ચિત્રલેખા ને કહે છે કે આમ તો હું કાપડ ઉદ્યોગમાં છું. મતલબ મારી આવકનો મુખ્ય સ્ત્રોત ગરબા ક્લાસ નથી, પણ એવા ઘણાને હું ઓળખું છું જેમની આવકનો મુખ્ય સ્ત્રોત નવરાત્રિ જ છે, આ આવક પર જ એમનું ઘર ચાલે છે. કોરોનાએ એમના ઘરની રોનક છીનવી લીધી છે.
અમારા ક્લાસમાં 350થી વધુ યુવક-યુવતી એવા છે જે અમારા ગ્રુપના નામે ગરબા રમવા એક સરખા ડ્રેસ સાથે સ્પર્ધામાં જાય. એવા યુવાન એક સરખી ઓછામાં ઓછી ત્રણ કફની દર વર્ષે સીવડાવે એ કામ દરજીને મળે, કાપડ વેચનારને મળે. એવું જ યુવતીઓનું પણ છે. આ વખતે તો એ વિશે કઈ બોલવા જેવું જ નથી.
ગરબા ક્લાસ અને નવરાત્રિ દરમિયાન જેટલી આવક થતી એ રકમ ભાવિનભાઈ સુરતના મૂક-બધિર ટ્રસ્ટને દાનમાં આપતા. જેમનાં ઘર અટકી પડ્યાં છે એમની સામે પ્રશ્ન વિકટ છે તો આવા ટ્રસ્ટને મળતા દાન પણ પર કાપ આવ્યો છે.
(ફયસલ બકીલી-સુરત)