મુંબઈઃ દેશભરમાં હાલ કોરોનાવાઈરસની બીજી લહેર ફરી વળી છે ત્યારે પોતાના ગ્રાહકો માટે કામ સહેલું કરવા માટે ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટોએ એક નવું ડિલીવરી ઓપ્શન ઉમેર્યું છે જે અંતર્ગત યૂઝર્સ એમના ઓર્ડરને ‘કોવિડ-19 ઈમરજન્સી’ તરીકે દર્શાવી તેને સંબંધિત ફ્લેગ બતાવી શકે છે.
આ પ્રકારનો ફ્લેગ બતાવવાથી ઝોમેટો એના સંબંધિત ગ્રાહકને ઓર્ડર ડિલીવર કરવાને પ્રાથમિકતા આપે છે અને સંબંધિત રેસ્ટોરન્ટ્સમાંથી લોકેશન અને રૂટ પર આ કામ એના સૌથી ઝડપી હોય એવા રાઈડરને સોંપે છે. મતલબ કે આવા તાકીદના ઓર્ડર પર ઝોમેટો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વળી, ડિલીવરી સંપર્કહીન રહે છે અને એ માટે કોઈ પ્રકારનો અતિરિક્ત ખર્ચ વસૂલ કરવામાં આવતો નથી. આ વિકલ્પ અપનાવવામાં સહકાર આપવા બદલ ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે તમામ રેસ્ટોરન્ટ માલિકોનો આભાર માન્યો છે.