નવી દિલ્હીઃ કેપિટલ માર્કેટ નિયામક સેબીએ ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O)માં સટ્ટો કરવાની વિરુદ્ધ ચેતવણી આપી હતી, કેમ કે એ હવે અર્થતંત્રને અસર કરી રહ્યો છે, એમ સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે કહ્યું હતું. ઘરેલુ બચત સટ્ટાબાજીમાં જઈ રહી છે અને યુવકો F&Oમાં નોંધપાત્ર પૈસા ગુમાવી રહ્યા છે. એનાથી ઘરેલુ બચતમાં ઘટાડો થઈ રહ્યો છે.
તેમણે SBI મ્યુચ્યુઅલ ફંડના કાર્યક્રમમાં કહ્યું હતું કે આ રોકાણકારોનો એક નાનો મુદ્દો અર્થતંત્રનો એક વ્યાપક મુદ્દામાં ફેરવાઈ ગયો છે. સેબીના એક રિસર્ચ મુજબ રોકાણકાર F&O સેગમેન્ટમાં 10માંથી નવ સોદાઓમાં નુકસાન ભોગવે છે. જોખમના ખુલાસા કરવા પર ભાર આપતાં સેબી હાલમાં આ ક્ષેત્રમાંથી રોકાણકારોને દૂર રાખવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહી છે.
સેબીએ આ ક્ષેત્રમાં કામકાજ બહુ ઝડપથી વધવાને કારણે ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે બધાને બજાર વિકાસ પર સેબીની જવાબદારી યાદ અપાવતાં આવી ચેતવણીને ઉચિત ઠેરવી હતી. હાલમાં સેબીએ કેટલાંક ઇક્વિટી સેગમેન્ટ્સમાં એસેટ પ્રાઇસમાં ઉછાળાને ચિહ્નિત કરવાનો નિર્ણય કર્યો છે, કેમ કે કોઈ પણ અન્ય સ્ટેકહોલ્ડર પોતાનું કામ નથી કરી રહ્યા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે એને અટકાવવાના માટે પર્યાપ્ત ઉપાય હાજર છે. સેબીને લાગે છે કે ફિનફ્લુએન્સર્સ, રોકાણ સલાહકારના રૂપમાં રજિસ્ટર થઈને રેગ્યુલેટરી આર્બિટ્રેજમાં રમમાણ છે ને સેબી ટૂંક સમયમાં એના પર કન્સલ્ટેશન પેપર લઈને આવશે, એમ તેમણે કહ્યું હતું.