સમય સમયની વાત છેઃ પરદાદાએ સ્થાપેલી બેંકે પ્રપૌત્રને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો

નવી દિલ્હી- કોલકાત્તાની યૂકો બેંકે યશોવર્ધન બિરલા (યશ બિરલા)ને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યાં છે. બિરલા ગ્રુપની એક કંપની બિરલા સૂર્યા લિમિટેડ દ્વારા 67.65 કરોડ રૂપિયાનું ઋણ ન ચૂકવાતાં તેમને વિલફુલ ફિફોલ્ટર (જાણી જોઈને ભૂલ કરનાર) જાહેર કર્યો છે. બિરલાને વિલફુલ ડિફોલ્ટર ગણાવતા બેંકે કહ્યું કે, કંપની પાસે 100 કરોડ રૂપિયાની ક્રેડિટ લિમિટ હતી, જેનું 67 કરોડ રૂપિયાથી વધુ વ્યાજ બાકી હતું. આ લોનને 2013માં એક નોન પર્ફોર્મિંગ એસેટ તરીકે ક્લાસિફાઈ કરવામાં આવી હતી.

બેંકે તેની નોટિસમાં કહ્યું કે, બિરલા સૂર્યા લિમિટેડને મુંબઈના નરીમન પોઈન્ટ સ્થિત મફતલાલ સેન્ટરમાં અમારી પ્રમુખ કોર્પોરેટ શાખામાંથી મલ્ટી ક્રિસ્ટેલાઈન સોલર ફોટોવોલ્ટેક સેલ્સ બનાવવા માટે માત્ર ફંડ આધારિત સુવિધાઓ સાથે 100 કરોડ રૂપિયાની ક્રેડિટ મર્યાદાની મંજૂરી આપવામાં આવી હતી. NPAમાં વર્તમાન 67.65 કરોડ રૂપિયાની બાકી ઋણ અને વ્યાજનો સમાવેશ થાય છે. યૂકો બેંક દ્વારા જાહેર કરાયેલી સાર્વજનિક સૂચનામાં યશોવર્ધન બિરલાની તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી. બેંકે કહ્યું કે, ખાતાને 3 જૂન 2019ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) જાહેર કરવામાં આવી.

જો કોઈ પ્રમોટરને કોઈ ઋણદાતા દ્વારા વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવે તો, તેમનો વર્તમાન બિઝનેસ ઉપરાંત કોઈ પણ કંપની કે જેમાં તે ડાયરેક્ટર છે, તેમને પણ ફંડિગ ન મળી શકે.

બિરલા સૂર્યા કંપનીએ મલ્ટી-ક્રિસ્ટેલિન સોલર ફોટોવોલ્ટાઈક સેલ્સના નિર્માણ  માટે બેંક પાસેથી લોન લીધી હતી. ગ્રુપ પાસે એક ડર્ઝન કરતા પણ વધુ કંપનીઓ છે જેમાં જેનિથ સ્ટિલ, બિરલા પાવર, બિરલા લાઈફસ્ટાઈલ અને શ્લોકા ઈન્ફોટેક જેવી કંપનીઓ સામેલ છે. મોટાભાગની કંપનીઓ ખોટમાં ચાલી રહી છે, અને ઋણ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. ગત વર્ષે પણ આ ગ્રુપની ત્રણ કંપનીઓ બિરલા કોટસિન, બિરલા શ્લોકા એજ્યુટેક અને જેનિથ બિરલાને નાણાંની લેવડ દેવડ મામલે તપાસના દાયરામાં આવી હતી.

યશ બિરલાના પરદાદાએ જ સ્થાપી હતી યૂકો બેંક

મહત્વની વાત એ છે કે, કોલકાત્તાની આ બેંકની સ્થાપના યશ બિરલાના પરદાદા ઘનશ્યામદાસ બિરલાએ કરી હતી. જીડી બિરલાના ભાઈ રામેશ્વરદાસ બિરલા, યશ બિરલાના પિતા અશોક બિરલાના દાદા હતાં. બેંગ્લુરુમાં એક વિમના દુર્ઘટનામાં તેમના માતા-પિતાનું મૃત્યુ થયા બાદ યશ બિરલાએ 23 વર્ષની ઉંમરે પરિવારનો બિઝનેસ સંભાળ્યો હતો. ઘણા વર્ષો સુધી આ ગ્રુપનું સંચાલન સલાહકારોએ કર્યું. બિરલા શ્લોકા એજુટેક હેઠળ આ ગ્રુપ અનેક ચેરિટેબલ સંસ્થાઓ અને સ્કૂલોનું સંચાલન પણ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]