મુંબઈઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેતાં તેમજ ક્રુડ તેલની માગ વધી રહી હોવાને કારણે ક્રુડ તેલની વૈશ્વિક કિંમત પ્રતિ બેરલ 95-130 ડોલરની રેન્જમાં રહે એવી ધારણા છે. આની અસર ભારત ઉપર પણ થશે અને ઈંધણની કિંમતમાં વધારો અનિવાર્ય બન્યો છે. હાલ દુનિયામાં રશિયા ક્રુડ તેલના સૌથી મોટા ઉત્પાદક દેશોમાંનો એક છે. અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. એની સામે રશિયા ક્રુડ તેલની જાગતિક સપ્લાઈ ઘટાડી દેશે.
ભારત ક્રુડ તેલનું મોટું આયાતકાર છે. ક્રુડ તેલ જાગતિક સ્તરે મોંઘું થવાથી ભારતમાં પેટ્રોલ અને ડિઝલની વેચાણ કિંમતમાં રૂ. 15-25 સુધીનો વધારો થઈ શકે છે. 2021ના નવેમ્બરના આરંભથી ભારતમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર પાંચ રૂપિયાનો અને ડિઝલમાં રૂ. 10નો ઘટાડો કરતાં ઈંધણના ભાવ હાલ સ્થિર થયા છે.