બજેટ 2024માં સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સસ્તું થશે?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરવાનાં છે. દેશની જનતાને મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બજેટથી મોટી અપેક્ષાઓ છે. ખાસ કરીને મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સ, શિક્ષણ, મેડિકલ જેવાં ક્ષેત્રોમાં મોંઘવારીથી રાહત મળવાની આશા છે. સરકાર શિક્ષણ ક્ષેત્રે GSTમાં ઘટાડો કરે એવી અપેક્ષા છે.

શિક્ષણ ક્ષેત્રે સ્ટેકહોલ્ડર્સને આશા છે કે બજેટ 2024માં શિક્ષણને વધુ વાજબી અને એક્સેસેબલ બનાવવા પર ભાર આપવામાં આવશે. એક અહેવાલ મુજબ પરીક્ષાની તૈયારીના અભ્યાસક્રમોથી માંડીને નોકરીથી જોડાયેલી સ્કિલ ટ્રેનિંગ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોની રજૂઆત, ખાસ કરીને ગરીબી રેખાની નીચે (BPL) અને નીચી ઓછી આવક વર્ગ (LIG)માંથી આવતા વિદ્યાર્થીઓ પર બજેટમાં વિશેષ એલાન કરવામાં આવે એવી શક્યતા છે.

હાલ શિક્ષણ જેવા ક્ષેત્રે 18 ટકાનો સ્લેબ બહુ વધારે છે. જો GSTનો ટેક્સ સ્લેબ ઓછો કરવામાં આવે તો મધ્યમ વર્ગના પરિવારોનો શિક્ષણ પરનો ખર્ચ ઓછો થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી સરળતાથી બાળકોની પહોંચમાં હશે, એમ ઇન્ડિયા એડટેક કોન્સોર્શિયમ (IEC)ના ચેરમેન પ્રતીક મહેશ્વરીએ જણાવ્યું હતું.

જોકે વર્ષ 2024ના વચગાળાના બજેટમાં સરકારે શિક્ષણ અને સાક્ષરતા માટે રૂ. 73,000 કરોડની જાહેરાત કરી હતી. શિક્ષણ ક્ષેત્રમાં અત્યાર સુધી આ સૌથી મોટી ફાળવણી હતી. આ પહેલાં પાછલા નાણાકીય વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. 68,804 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારે સરકારી સ્કૂલોને મોડલ સ્કૂલમાં બદલવા માટે વચગાળાના બજેટમાં રૂ. 3250 કરોડથી વધીને રૂ. 6050 કરોડ કરવામાં આવી હતી, જે વર્ષ 2023-24માં એ રૂ. 2800 કરોડ હતી.