નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આધારને લઈને અસમંજસની સ્થિતી ખતમ થઈ ગઈ છે. આધાર ઓળખનું વેલીડ પ્રમાણ છે. પરંતુ મોબાઈલ નંબર અને બેંક અકાઉન્ટથી આધારને લિંક કરવું જરુરી નથી. આ તે લોકો માટે રાહતના સમાચાર છે જે લોકોએ અત્યાર સુધીમાં પોતાના બેંક અકાઉન્ટ અને મોબાઈલ સાથે આધાર લિંક નથી કરાવ્યું. પ્રશ્ન એ છે કે જે લોકોએ પહેલા જ બેંક અકાઉન્ટ અને મોબાઈલથી આધાર લિંક કરાવી દીધું છે તે લોકોએ શું કરવાનું?
શક્ય છે કે આવનારા થોડા દિવસોમાં બેંક અને મોબાઈલ કંપનિઓ હવે આધારને ડીલિંક કરવાની પ્રક્રિયા શરુ કરી દેશે. આના માટે તેઓ થોડા સમયમાં ઔપચારિક જાહેરાત કરી શકે છે. જો તમે ઈચ્છો તો ટેલીકોમ કંપનિઓ, બેંકો, મ્યૂચુઅલ ફંડો, અને ઈંશ્યોરન્સ કંપનિઓને આધાર સાથે જોડાયેલી પોતાની જાણકારી ડીલીટ કરવા માટે કહી શકો છો. તમે આના માટે ઈમેલ, ફોન અથવા અરજી કરી તેમને જણાવી શકો છો.
પહેલાથી આ મામલે કાયદો સ્પષ્ટ ન હોવાના કારણે કંપનીઓએ ગ્રાહકોને આધાર લિંક કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રાઈવેટ કંપનીઓ સાથે આધાર લિંક કરવું જરુરી નથી.
હવે ગ્રાહકોને અધિકાર મળી ગયો છે કે તેઓ પોતાની આધાર ડીટેલ્સને હટાવવા અથવા ડિલીટ કરવાની માંગણી કરી શકે છે. જો કે તમે આ પ્રકારની માંગણી કરશો તો તમારે તમારા ઓળખપત્ર સ્વરુપે પાસપોર્ટ, વોટર આઈડી અને બેંક સ્ટેટમેન્ટ આપવું પડી શકે છે. અહીંયા એ ધ્યાન રાખવું જોઈએ કે જો તમારા બેંક અકાઉન્ટમાં ડીબીટી ફાયદા મળી રહ્યા છે તો તમારે આધાર નંબરથી બેંક અકાઉન્ટ લિંક કરાવવું જ પડશે.
જો તમે મોબાઈલ કનેક્શન અથવા બેંક અકાઉન્ટની ચકાસણી માટે ઈ-KYC નો પ્રયોગ કર્યો છે તો આધાર કાયદા અતર્ગત આપ આને ડીલિંક કરી શકો છો. આધાર કાયદા અનુસાર આ મંજૂરી પહેલાથી જ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ પોતાના બેંક અકાઉન્ટને આધારથી લિંક ન કરાવે તો બેંક અકાઉન્ટ બંધ થઈ જશે.
ટેલીકોમ વિભાગના 23 માર્ચ 2017ના એક નોટિફિકેશન અનુસાર તમામ મોબાઈલ કંપનીઓને ગ્રાહકોનું આધાર લિંક કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. આ પ્રાવધાન માત્ર નવા મોબાઈલ ગ્રાહક માટે જ લાગુ નહોતું કરાયું પરંતુ આમાં જૂના ગ્રાહકોનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો હતો.