ભારતમાં સૌથી મોંઘી કાર કોની પાસે છે?

મુંબઈઃ ભારતમાં સૌથી મોંઘી કિંમતની કાર કોની પાસે હોઈ શકે? કોઈક કહેશે કે મુકેશ અંબાણી પાસે તો કોઈક કહેશે, ગૌતમ અદાણી પાસે. પરંતુ હકીકત એ છે કે ભારતમાં સૌથી મોંઘી કાર, જે બ્રિટનની બેન્ટ્લે મોટર્સ લિમિટેડ કંપનીની ‘બેન્ટ્લે મલ્સેન EWB સેન્ટેનરી આવૃત્તિ’ છે, તેના માલિક ન તો અંબાણી છે કે ન તો અદાણી છે. એ માલિકનું નામ છે, વી.એસ. રેડ્ડી, જેઓ બેંગલુરુના છે અને બ્રિટિશ બાયોલોજિકલ્સ કંપનીના સ્થાપક ચેરમેન છે. વેંકટસ્વામી શ્રીનિવાસ રેડ્ડીને મોંઘીદાટ ખરીદવાનો મોટો શોખ છે.

ડીએનએના અહેવાલ મુજબ, ‘બેન્ટ્લે મલ્સેન EWB’ સેન્ટેનરી આવૃત્તિની કિંમત રૂ. 14 કરોડ છે.

રેડ્ડીએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે બેન્ટ્લેની કારને તમે બધી બ્રાન્ડની કારમાં તાજમહેલ તરીકે ઓળખાવી શકો. દેશમાં તમામ બ્રાન્ડની કારનો સંગ્રહ કરવાનો મને નાનપણથી જ શોખ હતો. મલ્સેન એક સમયે બેન્ટ્લેની મુખ્ય કાર તી. પરંતુ કંપનીએ એને બનાવવાનું હવે બંધ કરી દીધું છે. મલ્સેનની રેગ્યૂલર મોડેલની કારની કિંમત આશરે રૂ. 6 કરોડ છે, પરંતુ એની સ્પેશિયલ એડિશન (સેન્ટેનરી આવૃત્તિ)ની કિંમત રૂ. 14 કરોડ છે. આમ, તે સૌથી મોંઘી કાર બની છે.

કંપનીએ તેની સ્થાપનાની 100મી વર્ષગાંઠ વખતે (2019માં) મલ્સેનની સ્પેશિયલ મોડેલને લોન્ચ કરી હતી. તેણે એવી માત્ર 100 કાર જ બનાવી હતી. વી.એસ. રેડ્ડી તેમાંના એક ગ્રાહક છે. આ કારમાં એક્સ્ટેન્ડેડ વ્હીલબેઝ છે, એટલે તેમાં બેસવાની જગ્યા વધારે મળે છે. કારનું ઈન્ટીરિયર સુપર લક્ઝરી પ્રકારનું છે. આરામદાયક સીટ દુર્લભ ચામડામાંથી ડાયમંડ-રજાઈ સિલાઈથી બનાવવામાં આવી છે. પ્રવાસીઓની આવશ્યક્તા મુજબ સીટને ઠંડક અથવા ગરમાટો આપે એવી કે વેન્ટિલેટેડ (હવાવાળી) બનાવી શકાય છે. કારમાં ખાનગી પડદા પણ આપવામાં આવ્યા છે, જેને ઈલેક્ટ્રિકથી નિયંત્રીત કરી શકાય છે. આ કારની સ્પીડ લિમિટ 296 કિ.મી./પ્રતિ કલાક છે. રેડ્ડીએ રોઝ ગોલ્ડ મલ્સેન ખરીદી છે. એમની બ્રિટિશ બાયોલોજિકલ કંપની સૌથી મોટી મેડિકલ ન્યૂટ્રિશન (પોષણદાયક દવાઓની) ઉત્પાદક છે. તે બાળકોની ચિકિત્સા માટે તેમજ ડાયાબિટીસ, હૃદયની બીમારી, હેપેટાઈટિસ, વૃદ્ધાવસ્થા ન્યૂટ્રિશનલ સોલ્યૂશન્સ બનાવે છે.