વોરન બફેટની બર્કશાયર હેથવે કોટક મહિન્દ્ર બેન્કમાં 10 ટકા હિસ્સો ખરીદવાની તજવીજમાં?

મુંબઈ – અમેરિકાના અબજોપતિ વોરન બફેટ ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય બેન્ક કોટક મહિન્દ્ર બેન્કમાં 10 ટકા હિસ્સો ખરીદવા ઈચ્છે છે એવા સમાચારને પગલે શેરબજારમાં કોટક મહિન્દ્રનો શેર ઉછળ્યો છે.

અહેવાલ અનુસાર, આ બર્કશાયર હેથવે અને કોટક મહિન્દ્ર બેન્ક વચ્ચે 4 અબજ અને 6 અબજ ડોલરની વચ્ચેની કોઈક રકમમાં સોદો થયો છે.

નામ જાહેર ન કરવાની શરતે સૂત્રોએ કહ્યું છે કે બર્કશાયર હેથવે પ્રમોટર હિસ્સો ખરીદવા અથવા પ્રેફરન્શિયલ એલટમેન્ટ મારફત હિસ્સો ખરીદવા માગે છે.

અમેરિકાના અબજોપતિ વોરન બફેટ

ભારતીય રિઝર્વ બેન્કની માર્ગદર્શિકાઓ અનુસાર, કોટક મહિન્દ્ર બેન્કના પ્રમોટર ઉદય કોટકે 2018ના ડિસેમ્બર સુધીમાં એમનો માલિકી હક ઘટાડીને 20 ટકાથી ઓછો કરવો પડશે.

ઉદય કોટક આ બેન્કમાં હાલ 29.74 ટકા હિસ્સો ધરાવે છે. તેથી 10 ટકા હિસ્સો વેચીને માલિકી હક ઘટાડીને 20 ટકા કરવા માટે એમણે રિઝર્વ બેન્કની પરવાનગી માગી છે.

જોકે સ્ટોક એક્સચેન્જને મોકલાવેલા નિવેદનમાં કોટક મહિન્દ્ર બેન્કે કહ્યું છે કે બર્કશાયર હેથવે અમારી બેન્કમાં હિસ્સો ખરીદી રહ્યા હોવા વિશે અમને કશી જાણકારી નથી.