ટેલિકોમ ક્ષેત્રમાં ઘુસપુસ ચાલે છે, વોડાફોન ભારતમાંથી પોબારા ગણશે

નવી દિલ્હી – ટેલિકોમ રેગ્યૂલેટરી જગતમાં એવી ઘુસપુસ ચાલી રહી છે કે મુસીબતોમાં સપડાયેલી ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન ભારતમાંથી તેની કામગીરીઓ બંધ કરી દેવાની તૈયારીમાં છે.

આ સંદર્ભમાં આઈએએનએસ સમાચાર સંસ્થાએ વોડાફોન-આઈડિયાના ભારતસ્થિત પ્રવક્તાને અમુક સવાલો ઈમેલ કર્યા છે. એના જવાબમાં એને જણાવવામાં આવ્યું છે કે તે આ સવાલો વોડાફોન ગ્રુપના કોર્પોરેટ કમ્યુનિકેશન્સ વિભાગના વડા બેન પેડોવનને મોકલે.

વોડાફોન ગ્રુપે આ સવાલોનો આ લખાય છે ત્યાં સુધી જવાબ આપ્યો નહોતો.

ટેલિકોમ ક્ષેત્રમાં એવી અફવા ચાલે છે કે વોડાફોન ગમે તે ઘડીએ ભારતમાંથી પોબારા ગણી લેવાની તૈયારીમાં છે, કારણ કે સંયુક્ત સાહસવાળી કંપની વોડાફોન-આઈડિયાને ગયેલી ખોટ તોતિંગ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. દર મહિને તે લાખોની સંખ્યામાં ધારકો ગુમાવી રહી છે અને એનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઊંધે માથે પછડાયું છે, જેને કારણે વોડાફોન માટે નવું ભંડોળ મળવાના વાંધા ઊભા થઈ ગયા છે.

વોડાફોન-આઈડિયા કંપનીએ એને માથે ચડી ગયેલા દેવા વિશે સુધારો કરવાના મામલે એના લેણદારોનો સંપર્ક કર્યો છે એવા એક દાવા વિશે કંપનીએ આજે ખુલાસો ઈસ્યૂ કર્યો છે.

કંપનીએ કહ્યું છે કે અમુક પ્રચારમાધ્યમોના અહેવાલોમાં એવો આક્ષેપ કરાયો છે કે વોડાફોન આઈડિયાએ એની પરના દેવા વિશે સુધારો કરવાના મુદ્દે એના લેણદારોનો સંપર્ક કર્યો હતો. અમે આ વાતોને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ અને એને બિનપાયાદાર અને ખોટા ગણાવીએ છીએ. અમે કોઈ લેણદારને દેવામાં સુધારો કરવાની વિનંતી કરી નથી કે પેમેન્ટની શરતોમાં ફેરફાર કરવા કહ્યું નથી. અમે અમારું તમામ દેવું સમય આવ્યે ચૂકવી દેવાના છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]