માઈક્રોસોફ્ટ, MAQ-સોફ્ટવેર, પેપ્સીકો ઉ.પ્ર.માં કરોડોનું ઈન્વેસ્ટમેન્ટ કરશે

લખનઉઃ અમેરિકાની જાયન્ટ ટેક્નોલોજી કંપનીઓ – માઈક્રોસોફ્ટ અને MAQ સોફ્ટવેર તેમજ પેપ્સીકો ઉત્તર પ્રદેશમાં કુલ રૂ. 2,866 કરોડના ખર્ચે એમના પ્લાન્ટ્સ નાખવાની છે. આને કારણે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને મોટી ગતિ પ્રાપ્ત થશે.

અમેરિકાની આ ત્રણ મલ્ટીનેશનલ કંપનીઓ ઉત્તર પ્રદેશમાં તેમની ફેક્ટરીઓ નાખશે તેથી 7,500 લોકોને નોકરી મળશે. માઈક્રોસોફ્ટ અને એમએક્યૂ સોફ્ટવેર નોઈડામાં પ્લાન્ટ નાખવાની છે જ્યારે પેપ્સીકોએ મથુરામાં તેની ફેક્ટરીનું બાંધકામ શરૂ કરી દીધું છે. યૂએસ-ઈન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારી મંચ સાથે સંકળાયેલા અમેરિકાના બીજા અનેક ઈન્વેસ્ટરો પણ ઉત્તર પ્રદેશમાં મૂડીરોકાણ કરવા આકર્ષિત થયાં છે.