GST રીટર્નની હાલની વ્યવસ્થા 3 મહિના લંબાવાઈ, ઈ-વે બિલ એપ્રિલથી લાગુ

નવી દિલ્હી– ઉદ્યોગો અને વ્યવસાયકારો માટે ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ(જીએસટી) રીટર્ન ભરવાની હાલની વ્યવસ્થા જૂન સુધી ચાલુ રહેશે. જીએસટી કાઉન્સિલની શનિવારે મળેલી બેઠકમાં રીટર્ન ફાઈલ કરવાની હાલ જીએસટીઆર-3 બી વ્યવસ્થાને વધુ ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક પછી પત્રકારોને આ માહિતી આપી હતી.નાણાંપ્રધાન અરૂણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલની આવનજાવન માટે ઈલેક્ટ્રોનિક વે બિલ એટલે કે ઈ-વે બિલને પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે. જો કે કોઈપણ રાજ્યની અંદર ઈ-વે બિલને 15 એપ્રિલથી તબક્કાવાર અમલી બનાવાશે. અને 1 જૂન સુધી તમામ રાજ્યોમાં તેને લાગુ કરી દેવાશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટીના સરળ ફોર્મ માટે કોઈપણ નિર્ણય લઈ શકાયો નથી. કાઉન્સિલે આ મામલે બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીની અધ્યક્ષતાવાળી સમિતિને એક પાનાનું ફોર્મ તૈયાર કરવાનું કહેવાયું છે, જો કે તેનાથી કોઈ ટેક્સ ચોરી કરે નહી અને ફોર્મ સરળ હોય. જીએસટી રીટર્ન ફાઈલ કરવાની હાલની વ્યવસ્થા ત્રણ મહિના વધારી દેવાઈ છે, તેની સાથે નિકાસકારોને અપાયેલી છૂટને પણ 6 મહિના માટે એટલે કે સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.