નેશનલ સ્ટોક એક્સચેન્જે બેન્ક નિફ્ટીની એક્સપાયરી શુક્રવારની કરવાનો નિર્ણય બજારહિતમાં પાછો ખેંચ્યો

મુંબઈ તા. 27 જૂન, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ જુનના પ્રથમ સપ્તાહમાં એવી જાહેરાત કરી હતી કે 7 જુલાઈ, 2023થી ગુરુવારની સમાપ્તિ ધરાવતા નિફ્ટી બેન્ક ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સની સમાપ્તિ શુક્રવારની કરવામાં આવશે. એ પ્રમાણે પ્રથમ સમાપ્તિની તારીખ 14 જુલાઈ જાહેર કરવામાં આવી હતી.

બેન્ક નિફ્ટીની શુક્રવારની સૂચિત સમાપ્તિ (એક્સપાયરી) બીએસઈ દ્વારા 15 મેથી રિલોન્ચ કરાયેલા સેન્સેક્સ/બેન્કેક્સ એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સની સાથે આવતી હતી. બીએસઈને બજારના પ્રતિભાવના આધારે લાગે છે કે આના કારણે સેન્સેક્સ/બેન્કેક્સ ડેરિવેટિવ્ઝની વૃદ્ધિને અસર થઈ શકે છે. બજારના સંતુલિત વિકાસ અને જોખમનું કેન્દ્રીકરણ નિવારવાના હેતૂથી બીએસઈએ એનએસઈએ વિનંતી કરી હતી કે તેઓ બેન્ક નિફ્ટીની એક્સપાયરી શુક્રવાર સિવાયના દિવસે રાખે, જેથી સેન્સેક્સ/બેન્કેક્સ ડેરિવેટિવ્ઝની વૃદ્ધિને બળ મળે અને બજારમાં જોખમને પણ નિવારી શકાય. જેને પગલે એનએસઈએ તેની ગુરુવારની સમાપ્તિ ધરાવતા કોન્ટ્રેક્ટ્ની એક્સપાયરી બદલવા અંગેના 6 જૂન, 2023ના સર્ક્યુલરને પાછો ખેંચી લીધો છે અને તેની એક્સપાયરી હવે અગાઉની જેમ જ થશે.