રોગચાળાના મારમાંથી 2035 સુધીમાં અર્થતંત્ર બહાર આવશેઃ RBI

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાએ દેશના અર્થતંત્ર પર ભારે પ્રતિકૂળ અસર કરી છે. જેથી છેલ્લાં બે વર્ષમાં કોરોનાને કારણે આર્થિક મોરચે દેશને બહુ મોટું નુકસાન થયું છે. દેશને એમાંથી બહાર આવતાં હજી વધુ 13 વર્ષ લાગશે, એમ રિઝર્વ બેન્કે કહ્યું છે. રિઝર્વ બેન્કની રિસર્ચ ટીમે જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષોમાં દેશને ઉત્પાદનમાં આશરે રૂ. 50 લાખ કરોડથી વધુનું નુકસાન ભોગવવું પડ્યું છે.

દેશમાં કોરોના રોગચાળાને કારણે ઉત્પાદન, આજીવિકાને મામલે બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દેશના મધ્યમ સમયગાળામાં 6.5-8.5 ટકાનો આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવા માટે માટે કિંમતોમાં સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે. આ માટે નાણાકીય વર્ષ 2021-22 માટે ધિરાણ અને રાજકોષીય નીતિની વચ્ચે સમયાંતરે સંતુલન બનાવી રાખવું સ્થિર વિકાસની દિશામાં પહેલું પગલું છે, એમ RBIનો રિપોર્ટ કહે છે.

આ રિપોર્ટમાં સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન માટે સાનુકૂળ માહોલ બનાવવા, અક્ષમતાઓને પ્રોત્સાહનવાળી સબસિડીઓને તર્કસંગત બનાવવા અને આવાસીય અને ભૌતિક માળખામાં સુધારો કરીને શહેરી સમુદાયોને પ્રોત્સાહન આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. આર્થિક કામગીરી બે વર્ષ પછી મુશ્કેલીથી કોવિડ-પૂર્વના સ્તરે પહોંચી શકી છે. દેશની આર્થિક બેહાલી રોગચાળાના આઘાતો સિવાય અન્ય પડકારોનો પણ સામનો કરી રહી છે.

RBIના રિપોર્ટનો હવાલો આપતાં કોંગ્રેસ સંસદસભ્ય દિગ્વિજય સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આપણ અર્થતંત્રને ત્રણ આંચકા લાગ્યા છે. બે મોદીએ આપ્યા છે, જેમાં એક નોટબંધી અને બીજો GSTનું અધકચરું માળખું તેમ જ ત્રીજો રોગચાળો. વળી, રોગચાળા સામે જે રીતે કામગીરી થઈ હતી, એ પણ કેટલેક અંશે જવાબદાર છે.