નવી દિલ્હીઃ ભારતીય રેલવે બધાં આઠ પૂર્વોત્તર રાજ્યોનાં પાટનગરોને રેલવે નેટવર્કની સાથે જોડવા માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ઉપરાંત પડોશી દેશ બંગલાદેશના રેલવે નેટવર્ક સાથેના જોડાણ માટેના પ્રોજેક્ટને પણ અમલમાં મૂકશે, જેથી ભારતના અન્ય ભાગોની સાથે સંદેશવ્યવહારની સુવિધા મળી શકે, એમ રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું.
સારા લિન્કેજના માધ્યમથી ઓલ રાઉન્ડ વિકાસ પર કેન્દ્રના ફોકસ સાથે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)એ આસામના મુખ્ય શહેર ગૌહાટી, ત્રિપુરાની રાજધાની અગરતલા અને અરુણાચલ પ્રદેશના ઇટાનગરને પહેલેથી જોડવામાં આવ્યું છે.
ત્રિપુરાના રેલવે નેટવર્કને બંગલાદેશના રેલવે નેટવર્કની સાથે જોડવા માટે હવે 12 કિલોમીટર લાંબી અગરતલા-અખૌરા (બંગલાદેશ) રેલવેના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. એક વાર આ પ્રોજેક્ટ પૂરો થયા પછી ત્રિપુરા અને કોલકાતા વચ્ચેનું અંતર 1100 કિલોમીટર ઘટશે, એમ તેમણે કહ્યું હતું.
દક્ષિણ ત્રિપુરામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ના શિલાન્યાસ સમારોહને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરતાં વેપાર અને ઉદ્યોગપ્રધાન ગોયલે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતની પહેલના ભાગરૂપે દરેક જિલ્લામા નવી આઇટમની પસંદગી કરવામાં આવશે અને ભારત તેમ જ વિદેશમાં માર્કેટિંગ કરતાં પહેલાં તમામ પ્રયાસો સાથે વિકસિત કરવામાં આવશે.
650 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ
SEZની સ્થાપના દક્ષિણ ત્રિપુરામાં સબરૂમ શહેરની પશ્ચિમમાં જલેફામાં કરવામાં આવી રહી છે, જે અગરતલાથી 130 કિલોમીટર દક્ષિણમાં છે, પરંતુ બંગલાદેશના ચટગાવ પોર્ટથી માત્ર 72 કિલોમીટર દૂર છે.
તેમણે કહ્યું હતું કે SEZમાં રબર, વાંસ, કૃષિ આધારિત ઉત્પાદનો અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત કરવામાં આવશે અને એમાં 650 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પ્રારંભમાં SEZના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 60 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. SEZની સ્થાપના પછી રેલવેના પ્રોજેક્ટોને પૂરા થયા પછી બંગલાદેશની સાથે વેપાર અનેક ગણો વધે એવી શક્યતા છે.
5000 લોકોને નોકરીઓ મળશે
મુખ્ય પ્રધાન બિપ્લવકુમાર દેબે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પહેલી વાર SEZની સ્થાપના પછી આશરે 5000 લોકોને રોજગારી મળશે. ત્રિપુરાના ઇન્ડસ્ટ્રી અને કોમર્સ વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે SEZની સ્થાપનાથી રાજ્યની નિકાસ ક્ષમતામાં પ્રતિ વર્ષ કમસે કમ 2000 કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે.
કેન્દ્ર સરકારે પહેલેથી જ SEZની સ્થાપના કરવા માટે 16.35 હેક્ટર જમીન ફાળવી છે, જેને 16 ડિસેમ્બર, 2019એ કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલયે જગ્યા ફાળવી હતી. ઇન્ડસ્ટ્રી અને કોમર્સ વિભાગના અધિકારી દેબે કહ્યું હતું કે ડિસેમ્બર સુધી ફેની નદી પર બાંધવામાં આવી રહેલો પુલ પૂરો થયા પછી ત્રિપુરા માર્ગેથી સીધા બંગલાદેશથી જોડાઈ જશે અને ચટગાવ પોર્ટનો ઉપયોગ કરીને માલસામાનની હેરફેર સુવિધા થશે. SEZની પાસે મૈત્રી પુલ 2017થી નિર્માણાધીન છે.