નવી દિલ્હીઃ ટેલિકોમ ઓપરેટરોએ ભેગા મળીને સરકાર પાસે કુદરતી આફતો અને કોરોના રોગચાળા સમયે લોકોને અલર્ટ કરવા લાખ્ખો SMS મોકલવા બદલવા માટે વળતરની માગ કરી છે. લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે કેટલાક સંદેશાઓ કોમન અલર્ટિંગ પ્રોટોકોલ (CAP) અંતર્ગત આવે છે, જેના હેઠળ ટેલિકોમ કંપનીઓને એ સંદેશાઓ ફરજિયાત મોકલવાની સૂચના હોય છે. આ સંદેશાઓમાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવતા, રસીકરણ અને સાવધ રહેવા માટેના સંદેશાઓ સામેલ છે. હાલ ટેલિકોમ કંપનીઓ CAP સંદેશા માટે સરકાર અથવા યુઝર્સ પાસે કોઈ ચાર્જ નથી વસૂલતી.
સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)ના આંકડાઓ મુજબ ભારતીય એરટેલ, વોડાફોન આઇડિયા લિ. અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિ. મળીને યુઝર્સને પ્રતિ મહિને 45 કરોડથી વધુ સંદેશ મોકલે છે. કંપનીઓ હવે આ સંદેશો પર ડિઝેસ્ટર અને નોન-ડિઝેસ્ટર ચાર્જ લગાવવાની માગ કરી રહી છે.
રિલાયન્સ જિયોએ કહ્યું હતું કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSP)ને નોન-ડિઝેસ્ટર પરિસ્થિતિમાં CAP આધારિત એલર્ટ મોકલવા માટે સરકારે વળતર આપવું જોઈએ. કંપનીએ આ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) માટે આ માટે રજૂઆત કરી હતી. આવા બધા સંદેશ માટે પ્રતિ સંદેશ 10 પૈસા નક્કી થવા જોઈએ.
ભારતીય એરટેલના પ્રતિનિધિએ કહ્યું હતું કે ડિઝેસ્ટર સમયે મફતમાં સંદેશ મોકલવા માટે ટેલિકોમ એકમાત્ર સાધન હતું, જ્યારે ગેસ, ફ્યુઅલ, વોટર અને ઇલેક્ટ્રિસિટી કંપનીઓ ગ્રાહકો પાસેથી નિયમિત રીતે ચાર્જ વસૂલ કરતી હતી. આ ઉપરાંત ડિઝેસ્ટરના સમયમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ પ્રતિકૂળ અસર પડી હતી.