કોરોના સંકટમાં પણ ટાટા કર્મચારીઓની પડખે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંકટને લઈને અનેક કંપનીઓ મુશ્કેલીમાં આવી ગઈ છે. વિશ્વની ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓના વેતનમાં ઘટાડાની જાહેરાત કરી છે. ત્યારે ટાટા ગ્રુપે કહ્યું છે કે, તે દેશભરમાં પોતાની ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ પર કામ કરનારા અસ્થાયી કર્મચારીઓ તેમજ રોજ પર કામ કરતા મજૂરોને પૂરું વેતન આપશે. ટાટાની કેટલીક કંપનીઓ જેવી કે ટાટા પ્રોજેક્ટ્સમાં મોટી સંખ્યામાં અસ્થાયી કર્મચારીઓ કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલા છે.

કોરોના વાયરસથી થનારી અસરને ઓછી કરવા માટે અન્ય કંપનીઓ પણ પોતાના તરફથી પહેલ કરી રહી છે. બજાજ સમૂહના રાજીવ બજાજે કહ્યું કે, કોઈપણ કર્મચારીને કામ પરથી કાઢવાની નોબત આવતા પહેલા તેઓ પોતાનો પગાર નહી લે. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ દેશના સૌથી વધારે વેતન લેતા અધિકારીઓ પૈકી એક છે અને નાણાકીય વર્ષ 2019 માં તેમને 32 કરોડ રુપિયા જેટલો પગાર મળ્યો હતો.

ઓનલાઈન પેમેન્ટ એપ કંપની પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પોતાની ઓફિસના કર્મચારીઓની મદદ માટે પોતે બે મહિનાનો પગાર ન લેવાની જાહેરાત કરી છે. ગુરુવારના રોજ વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી કે કંપનીઓ આ કપરા સમયમાં પોતાના કર્મચારીઓના પગારમાં ઘટાડો ન કરે.

ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે, વર્તમાન સ્થિતિ સમાજના કમજોર સામાજિક-આર્થિક વર્ગના લોકો પર ગંભીર પ્રકારની આર્થિક અસર પાડી શકે છે. તેમણે કહ્યું કે, સંકટના આ સમયમાં અમારા ગ્રુપની કંપનીઓ અસ્થાયી કર્મચારીઓ તેમજ મજૂરોને માર્ચ અને એપ્રીલ મહિનાનું પૂર્ણ વળતર આપવા માટે કટિબદ્ધ છે, ભલે સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ કર્મચારીઓ કામ પર ન આવ્યા, સાઈટ ભલે બંધ હોય, કંપની બંધ હોય કે પછી કોઈ અન્ય કારણ હોય પરંતુ કર્મચારીઓને તેમનું વેતન તો પૂરતું જ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એરલાઈન કંપની ઈન્ડિગો એરલાઈન્સ, ગોએર, તેમજ એર ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓના પગાર તેમજ અન્ય સુવિધાઓમાં ઘટાડાની જાહેરાત કરી હતી. વિભિન્ન દેશો દ્વારા યાત્રા પર પ્રતિબંધ લગાવવાના કારણે સૌથી વધારે અસર એરલાઈન્સ કંપનીઓ પર પડી છે. જો કે, ટ્રાવેલ સ્ટાર્ટઅપ કંપની અભીબસના ફાઉન્ડર સુધાકર શેટ્ટીએ કહ્યું કે, તેઓ 50 ટકા ઓછો પગાર લેશે અને એક પણ નોકરી નહી જવા દે.