મુંબઈ – નાતાલ (ક્રિસમસ) તહેવાર દરમિયાન જ દેશભરમાં બેન્કિંગ કામકાજને માઠી અસર થવાની સંભાવના છે. બેન્ક કર્મચારીઓના યુનિયનોએ 21 ડિસેંબર અને 26 ડિસેંબરે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.
22, 23 અને 25 ડિસેંબરે જાહેર રજાના દિવસો છે. માત્ર એક જ, 24 ડિસેંબરે જ બેન્કોમાં જાહેર કામકાજ ચાલુ રહેશે.
21 ડિસેંબરે હડતાળ છે, 22 ડિસેંબરે મહિનાનો ચોથો શનિવાર હોઈ બેન્કો બંધ રહેશે, 23 ડિસેંબરે રવિવારની રજા છે, 24 ડિસેંબરે બેન્કોમાં કામ ચાલુ રહેશે, 25 ડિસેંબરે નાતાલ તહેવારની રજા છે, 26 ડિસેંબરે હડતાળ છે.
જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો – વિજયા બેન્ક, બેન્ક ઓફ બરોડા અને દેના બેન્કના મર્જરના વિરોધમાં તેમજ પગારવધારાની માગણી માટે ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ 21 ડિસેંબરે એક દિવસની હડતાળ પર જવાનું નક્કી કર્યું છે.
બીજી બાજુ, યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU), જેમાં ત્રણ અને ચાર કેટેગરીના બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓના 9 યુનિયનો સામેલ છે, એમણે 26 ડિસેંબરે હડતાળનું એલાન કર્યું છે. UFBU સંગઠને પણ વિજયા બેન્ક, બેન્ક ઓફ બરોડા, દેના બેન્કના વિલિનીકરણના નિર્ણયનો વિરોધ કર્યો છે.
AIBOCના પ્રવક્તા રમણ વાઘેલાનું કહેવું છે કે 26 ડિસેંબરની હડતાળ દરમિયાન અમારા મુદ્દાઓની અવગણના ન થાય એટલા માટે અમે અલગ રીતે હડતાળ પાડવાનું નક્કી કર્યું છે. જોકે અમે 26મીની હડતાળમાં પણ જોડાઈશું. 21 ડિસેંબરે નોર્મલ બેન્કિંગ કામકાજ ખોરવાશે, કારણ કે મહત્ત્વના નિર્ણયો મંજૂર કરતા અધિકારીઓ એ દિવસે હડતાળ પર રહેશે, કામ નહીં કરે.