મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો પહેલાં શેરોમાં આગઝરતી તેજી

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ફરી એક વાર મહાયુતિ સત્તા પર આવે એના સંકેતોને કારણે ઘરેલુ શેરબજારોમાં આગઝરતી તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 2000 પોઇન્ટ અને નિફ્ટી 550 પોઇન્ટ ઊછળ્યા હતા. નિફ્ટી 23,900ને પાર થયો હતો. છેલ્લા પાંચ મહિનામાં બજારમાં આવેલી આ સૌથી મોટી તેજી છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.15 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકી લેબર માર્કેટમાં આવેલા મજબૂત આંકડાને કારણે IT શેરોમાં જોરદાર તેજી થઈ હતી. 16 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકામાં પ્રારંભિક બેરોજગારી દાવાઓમાં 6000નો ઘટાડો થયો હતો અને એ 2,13,000 પર આવી ગયો હતો. જે સાત મહિનામાં સૌથી નીચલો સ્તર છે. જેને પગલે નિફ્ટી IT ઇન્ડેક્સ બે ટકા ઊછળી ગયો હતો. આ સાથે એશિયન માર્કેટોમાં પણ તેજીને પગલે સ્થાનિક બજારોમાં તેજી થઈ હતી. જેથી BSE સેન્સેક્સ 1961 પોઇન્ટ ઊછળી 79,117એ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 557.35 પોઇન્ટ ઊછળી 23,907ના મથાળે બંધ થયો હતો. આ સાથે નિફ્ટી બેન્ક 763 પોઇન્ટ ઊછળી 51,135ના સ્તરે બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીતરફી સેન્ટિમેન્ટ હતું. આ સાથે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ નીચા મથાળેથી ધૂમ ખરીદી કરી હતી. DIIએ 21 નવેમ્બરે આશરે રૂ. 4200 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4041 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2452 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1469 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 120 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 163 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 107 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.