શેરબજારમાં બીજા દિવસે નરમાઈ, સેન્સેક્સ 21 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે નરમાઈ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો પાછળ સવારે ભારતીય શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા, પણ પાછળથી દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. અમેરિકામાં ટેક્સ રેટ ઘટ્યા છે, જે ભારત માટે નેગેટિવ ફેકટર છે, આથી ભારતીય શેરોમાં વેચવાલી આવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 21.10(0.06 ટકા) ઘટી 33,756.28 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 3.90(0.04 ટકા) ઘટી 10,440.30 બંધ થયો હતો.

આજે બેંક, ઓટોમોબાઈલ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી માર્કેટ પર પ્રેશર હતું. અને ઈન્ડેક્સ પણ પ્લસમાંથી માઈનસમાં જતા રહ્યા હતા. જો કે સામે રોકડાના મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી ખરીદી ચાલુ રહી હતી. આગામી સપ્તાહના ગુરુવારે ડિસેમ્બર ફયુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ આવે છે, જે અગાઉ મોટાભાગે ઉભા સોદા સરખા કરવારૂપી કામકાજ હતા. જો કે આજે ટ્રેડિંગ વાલ્યુમ પણ ઘટ્યું હતું. પણ હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં ભાજપની સરકાર આવતાં સ્થાનિક નાણા સંસ્થાઓની સતત લેવાલી ચાલુ રહી હતી.

  • આજે નરમ બજારમાં કેપિટલ ગુડઝ, ફાર્મા, આઈટી, ટેકનોલોજી, મેટલ અને પીએસયુ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
  • તેમજ ઓટોમોબાઈલ, બેંક, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ તેમજ ઈન્ડેક્સ બેઈઝડ હેવી વેઈટ શેરોમાં વેચવાલીથી ઈન્ડેક્સ માઈનસમાં ક્લોઝ થયા હતા.
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 134.99 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 206.51 ઊંચકાયો હતો.
  • સરકારે ટેક્સટાઈલ સેક્ટરને 1300 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપ્યું છે. જેમાં સ્પેશ્યિલ યોજના અનુસાર 3 વર્ષ માટે સ્કિલ પ્લાનને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. 2017-18થી 2019-20 સુધી રૂપિયા 1300 કરોડનો ખર્ચ થશે. આ ખર્ચ ટેક્સટાઈલમાં રોજગારી વધારવા માટે અને સ્કીલ ડેવલપમેન્ટ માટે થશે.
  • રીલાયન્સ ઈન્ફ્રા પોતાનો મુંબઈ પાવર બિઝનેસ અદાણી ટ્રાન્સમિશને વેચશે, આ સોદો રૂપિયા 13,250 કરોડનો થશે. આ સોદાથી રીલાયન્સ ઈન્ફ્રામાં 3000 કરોડની રોકડ સરપ્લસ થઈ જશે, અને તે દેવામુક્ત પણ થઈ જશે.
  • ટુ જી કોભાંડના તમામ આરોપીઓને પટિયાલા કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.
  • વરુણ બેવરેજીસને પેપ્સીકો ઈન્ડિયા સાથે કરારને બોર્ડની મંજૂરી મળી ગઈ છે.