મુંબઈ: સપ્તાહની શરુઆતે 1000થી વધુ અંકોના ઉછાળા બાદ બુધવારે શેર બજારમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી વિવિધ સેગમેન્ટમાં વેચવાલીનું દબાણ વધતાં બીએસઈ સેન્સેક્સ 503.62 પોઈન્ટ્સ ઘટીને 38,593.52 પર બંધ થયો જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 148 અંકના ઘટાડા સાથે 11,440.20 પર બંધ આવ્યો.
દિવસ દરમ્યાન કારોબારમાં સેન્સેક્સનું ઉચ્ચસ્તર 39,087.20 રહ્યું જ્યારે 38,510.97 નું નિમ્ન સ્તર નોંધાયું. નિફ્ટીમાં ઈન્ટ્રાડે હાઈ 11,564.95 નોંધાયું.
બીએસઈ પર લિસ્ટેડ 30 કંપનીઓમાંથી માત્ર 6 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયાં જ્યારે 24 કંપનીઓના શેર રેડ ઝોનમાં બંધ થયાં. એનએસઈ પર 13 કંપનીઓના શેરમાં લેવાલી તથા 37 કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
મહત્વનું છે કે, છેલ્લા બે સત્રોમાં શેર બજારમાં મોટા ઉછાળાને કારણે રોકાણકારોને મોટો લાભ થયો હતો. આ બે સત્રમાં સેન્સેક્સમાં અંદાજે 3000 અંકોની તેજી નોંધાઈ હતી. નિફ્ટીમાં પણ 900 અંકોની તેજી નોંધાઈ હતી.