લ્યો બોલો…વિશ્વના આ દેશમાં પાણીના ભાવે મળે છે પેટ્રોલ

નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ ઓઈલ કંપની સાઉદી અરામકોના ઓઈલના કુવાઓ પર ગઈ 14 સપ્ટેમ્બરે ડ્રોન દ્વારા થયેલા હુમલા બાદ વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે, વિશ્વમાં એક એવો દેશ પણ છે, જ્યાં પેટ્રોલ લગભગ મફ્તના ભાવે મળી રહ્યું છે. આજે અમે તમને અહીં એવા દેશો વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં પેટ્રોલની કિંમતો માત્ર કહેવા પૂરતી જ છે. આ ઉપરાંત એવા દેશો અંગે પણ વાત કરીશુ જ્યાં પેટ્રોલની કિંમતો ખુબજ વધારે છે.

વેનેઝુએલામાં મફ્તના ભાવે મળી રહ્યું છે પેટ્રોલ

વિશ્વમાં સૌથી વધુ ઓઈલનો ભંડાર વેનેઝુએલા પાસે છે. આ દેશ વિશ્વભરના દેશોમાં ઓઈલની નિકાસ કરે છે. આ દેશ વિશ્વનો એવો દેશ છે, જ્યાં પેટ્રોલ સૌથી સસ્તુ મળે છે. અહીં પેટ્રોલની કિંમત પાણીની બોટલની કિંમત કરતા પણ ઓછી છે. 23 સપ્ટેમ્બર 2019ના આંકડાઓ અનુસાર વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 0 યુએસ ડોલર પ્રતિ લિટર છે. એટલે કે અહીં પેટ્રોલ મફ્તમાં મળી રહ્યું છે.

આ દેશોમાં અડધા ડોલર કરતા પણ ઓછી છે પેટ્રોલની કિંમત

વિશ્વમાં આજની તારીખમાં અંદાજે 14 દેશો એવા છે, જ્યાં પેટ્રોલની કિંમત અડધો ડોલર અથવા તો તેનાથી પણ ઓછી છે. એટલા કે આ દેશોમાં પેટ્રોલ 35 રૂપિયા પ્રતિ લિટરથી પણ ઓછા ભાવે વેંચાઈ રહ્યું છે. ક્યુબામાં પેટ્રોલ માત્ર 0.09 ડોલર પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. તો સુડાનમાં 0.14 ડોલર પ્રતિ લિટર, કુવૈતમાં 0.35 ડોલર, અલ્જીરિયામાં 0.35 ડોલર, ઈરાનમાં 0.36 ડોલર, નાઈઝીરિયામાં 0.40 ડોલર, તુર્કમેનિસ્તાનમાં 0.43 ડોલર, અઝરબૈઝાનમાં 0.47 ડોલર, કતરમાં 0.49 ડોલર અને મલેશિયામાં 0.50 ડોલર પ્રતિ લિટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે.

સૌથી વધુ પેટ્રોલની કિંમત

વિશ્વના કેટલા દેશો એવ પણ છે, જ્યાં પેટ્રોલની કિંમત ભારતની સરખામણીએ લગભગ બમણી છે. વિશ્વમાં સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં વેચાઈ છે. અહીં પેટ્રોલની કિંમત 2.26 ડોલર પ્રતિ લિટર છે. ત્યારબાદ બીજા નંબર પર મોનાકો અને આઈસલેન્ડ છે. અહીં પેટ્રોલ 1.90 ડોલર અથવા તો 160.53 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. એના પછી બારબાડોસનો નંબર આવે છે, જ્યાં પેટ્રોલ પ્રતિ લિટર 1.89 ડોલર પર અને નોર્વેમાં 1.87 ડોલરે વેચાઈ રહ્યું છે.

ભારતની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 25 સપ્ટેમ્બરે પેટ્રોલની કિંમત 74.13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 67.07 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું હતું. તો 25 સપ્ટેમ્બરે શરૂઆતના કારોબારમાં ડોલરની સામે રૂપિયાની કિંમત 71.01 હતી.