મુંબઈઃ મુંબઈ શેરબજાર (બીએસઈ)એ સૌથી મોટા વૈશ્વિક વેપાર સાહસિકોના પ્લેટફોર્મ ઈન્વેન્ટિવપ્રેનર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (આઈસીસીઆઈ) સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ મારફત આઈસીસીઆઈ બીએસઈ એસએમઈ બોર્ડ પર લિસ્ટિંગ માટેના એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સનું મૂલ્યાંકન કરશે. એ ઉપરાંત તે લિસ્ટેડ એસએમઈ-સ્ટાર્ટ-અપ્સ રોકાણકારના નેટવર્કને વધુ સંવેદનશીલ બનાવશે અને તેનું સંવર્ધન કરશે. આઈસીસીઆઈ બીએસઈ લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક સ્તરે કનેક્ટ કરશે અને સરકારે જાહેર કરેલા કાર્યક્રમો, એક્સલરેશન ફંડ ઈન્ટરનેશનલ પ્રેઝન્સ અને ગ્લોબલ બિઝનેસ રિલેશન્સ સંબંધિત જ્ઞાનનો પ્રસાર કરશે. આઈસીસીઆઈ વિવિધ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ, જાગૃતિ પરિસંવાદો અને ચર્ચા સત્રો, બિઝનેસ ઈવેન્ટ્સ વગેરે યોજશે.
આઈસીસીઆઈનાં પ્રેસિડેન્ટ ડો. રિતિકા યાદવે કહ્યું કે દેશ ભરમાં વેપાર સાહસિકતાને ઉત્તેજન આપવા અમે બીએસઈ સાથે જોડાણ કર્યું છે. અમે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ વેપાર સાહસોના રોકાણકારો માટેના માહિલને સમૃદ્ધ કરીશું. અમારો હેતુ સરકારી એજન્સીઓ, દરિયા પારનાં વેપાર સાહસો અને ભારતીય કંપનીઓને દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક છત્ર હેઠળ લાવવાનો છે.
બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના વડા અજયકુમાર ઠાકુરે કહ્યું કે દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ તરીકે સરકારના રાષ્ટ્ર ઘડતરના કાર્યમાં સહાય કરવી અમારી જવાબદારી છે. અમે માનીએ છીએ કે આઈસીસીઆઈ મારફત વધુને વધુ સ્ટાર્ટઅપ્સ અને એસએમઈ લિસ્ટિંગના લાભ પ્રાપ્ત કરી શકશે અને મૂડીબજારમાં વધુ સારી કામગીરી કરી શકશે.એસએસએમઈઝ ઈક્વિટી મૂડી એકત્ર કરી શકે એ માટે બીએસઈએ તાજેતરમાં તેલંગણા સરકાર અને ગ્લોબલલિંકર સાથે જોડાણ કર્યું છે.