મુંબઈઃ સ્પાઈસજેટ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે એના એક પાઈલટે માર્ચ મહિનામાં એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાવી નહોતી તે છતાં એનો કોરોના વાઈરસ (COVID-19)નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
એરલાઈનના એક પ્રવક્તાએ કહ્યું કે, અમારા એક સાથી, જે ફર્સ્ટ ઓફિસર છે, એને COVID-19 લાગુ પડ્યો છે. એનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ રિપોર્ટ 28 માર્ચે આવ્યો હતો. એણે આ વર્ષના માર્ચમાં એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેટ કરી નહોતી તે છતાં એને કોરોના થયો છે.
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, એ પાઈલટે છેલ્લે એની ડોમેસ્ટિક ફ્લાઈટ ગઈ 21 માર્ચે ઓપરેટ કરી હતી. એ ફ્લાઈટ ચેન્નાઈથી દિલ્હીની હતી. એ પછી એણે પોતાને ઘરમાં જ સેલ્ફ-ક્વોરન્ટાઈન કર્યો હતો.
સાવચેતીના પગલા તરીકે એ પાઈલટ સાથે સીધા સંપર્કમાં રહેલા તમામ ક્રૂ મેમ્બર્સ તથા અન્ય સ્ટાફ સભ્યોને પણ આવતા 14 દિવસો માટે સેલ્ફ-ક્વોરન્ટાઈન માટે એમના ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કન્ફર્મ્ડ કેસની સંખ્યા 987 છે. દેશમાં 25 જણના મોત થઈ ચૂક્યા છે. 87 જણ કોરોનાની બીમારીથી સાજા પણ થઈ ચૂક્યા છે.
સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે, કોરોનાગ્રસ્ત પાઈલટને યોગ્ય તબીબી કાળજી પૂરી પાડવા માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. અમારા પ્રવાસીઓ તથા કર્મચારીઓની સલામતી અમારે મન ટોચની પ્રાથમિકતા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ભારતમાં રોકવા માટે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હાલ 14 એપ્રિલ સુધી તમામ ઈન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, અમે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ભારત સરકાર દ્વારા ઈસ્યૂ કરાયેલી માર્ગદર્શિકાઓનું કડક રીતે અનુસરણ કરીએ છીએ. અમારા તમામ વિમાનોને સંપૂર્ણપણે જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે. આ બધું વિશ્વ આરોગ્ય સંસ્થાના ધારાધોરણો અનુસાર જ કરવામાં આવે છે.
