મુંબઈ – ટેલિકોમ ઓપરેટરો એરટેલ અને વોડાફોન-આઈડિયા એમના નેટવર્ક પર લાઈફ-ટાઈમ ફ્રી ઈનકમિંગ પ્લાન્સ કદાચ બંધ કરી દેશે અને એમના ધારકો પાસેથી મિનિમમ ચાર્જ વસૂલ કરશે.
ટેલિકોમ કંપનીઓનું માનવું છે કે રિલાયન્સ જિયોની આગેવાની હેઠળની બજારમાં આક્રમક સ્પર્ધા હોવાને કારણે એમની આવકને માઠી અસર પડી છે એટલું જ નહીં, પણ એમને તેમના હાલના દરમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
ગ્રાહકોને લાઈફ-ટાઈમ ફ્રી ઈનકમિંગ કોલ્સની મજા મળવાનું બંધ થશે.
ઘણાય યુઝર્સને આનાથી આંચકો લાગશે, પરંતુ આને મિનિટ-બાય-મિનિટ ઈનકમિંગ કોલ્સ સાથે ગણીને ગૂંચવણમાં પડવું નહીં. ટેલિકોમ ઓપરેટર્સ મિનિટ દીઠ ઈનકમિંગ કોલ્સ માટે ચાર્જ નહીં કરે. ધારકોએ ફ્રી ઈનકમિંગ કોલ્સની મજા માણવા માટે ચોક્કસ વેલિડિટી પીરિયડ માટે અમુક મિનિમમ રકમનું રીચાર્જ કરાવવું પડશે.
એરટેલે અમુક મિનિમમ રીચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. એરટેલે એની વેબસાઈટ પર ત્રણ આવા રીચાર્જ પ્લાન્સ મૂક્યા છે – રૂ. 35, રૂ. 65 અને રૂ. 95. આ રીચાર્જ પ્લાન્સ ડેટા, ટેરિફ કટર, ટોક-ટાઈમ અને 28 દિવસની વેલિડિટી સાથેના છે.
એવી જ રીતે, વોડાફોન-આઈડિયાએ પણ કહ્યું છે કે કંપની લાફ-ટાઈમ ફ્રી પ્લાન્સને રદ કરશે, કારણ કે અમુક ધારકો પાસેથી પ્રતિ માસ ઓછામાં ઓછા 30 રૂપિયા ચાર્જ કરીને અમારે આવક વધારવી પડશે.
બે વર્ષ પહેલાં જિયોની એન્ટ્રી થયા બાદ અન્ય ટેલિકોમ કંપનીઓના બિઝનેસ પર માઠી અસર પડી છે. જિયોને કારણે જ વોડાફોન અને આઈડિયાને મર્જ થવું પડ્યું, આરકોમ તથા ટાટા ટેલીકોમને માર્કેટમાંથી એક્ઝિટ થવું પડ્યું.