નવી દિલ્હીઃ વર્ષ 2021ના બીજા સેશનમાં સેન્સેક્સે ઇતિહાસ રચ્યો છે. સેન્સેક્સે 48,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તો સર કરી જ છે, પણ ખાસ વાત એ છે કે સેન્સેક્સે 47,000થી 48,000ની સપાટી સર કરવામાં માત્ર એક સપ્તાહનો સમય લાગ્યો છે. 28 ડિસેમ્બરે સેન્સેક્સ પહેલી વાર 47,000ને પાર થયો હતો. સોમવારે સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. એકમાત્ર સરકારી બેન્કોના શેરો વેચવાલીના દબાણમાં હતા.
કોરોનાની બે વેક્સિનને ભારતમાં મંજૂરી મળી છે. એનાથી બજારનું સેન્ટિમેન્ટ તેજીમય હતું. આ ઉપરાંત અર્થતંત્રમાં સારી રિકવરી, ડિસેમ્બરમાં ઓટો કંપનીઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થતાં બજારમાં પ્રોત્સાહક વતાવરણ હતું.સોમવારે ટ્રેડિંગ સેશનમાં 244 કંપનીઓએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી. જ્યારે ત્રણ કંપનીના શેર 52 સપ્તાહના નીચલા સ્તરે હતા.
વૈશ્વિક સંકેતોની મદદથી આ વર્ષના ડિસેમ્બર સુધી નિફ્ટી-50 ઇન્ડેક્સ 15,800ના સ્તરે પહોંચે એવી શક્યતા છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટરોએ ભારતીય બજારોમાં 1.2 લાખ કરોડ રેકોર્ડ મૂડીરોકાણ કર્યું હતું. વિદેશી બજારોની મજબૂતાઈથી સ્થાનિક સંસ્થાઓએ શેરોમાં ધૂમ લેવાલી કરી હતી.
નિફ્ટી હાલ 22,3 ગણો પીઈ પર ટ્રેડ કરી રહ્યો છે. બોન્ડ યિલ્ડ અર્નિંગ લાંબા ગાળાની અવધિની સરેરાશની ઉપર છે.