વૈશ્વિક મંદીની આશંકાએ સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક મંદીની આશંકાને લીધે ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ભારે ઘટાડો નોંધાયો હતો. US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવાની આશંકાએ અને અમેરિકી કેન્દ્રીય બેન્કના પ્રમુખ જેરોમ પોવેલના નિવેદનોએ સ્થાનિક બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આગળ ધપ્યો હતો. જેથી BSE સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ તૂટીને બંધ થયો હતો. રોકાણકારોએ ઇન્ટ્રા-ડેમાં આશરે રૂ. પાંચ લાખ કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું.

પોવેલે સંકેત આપ્યા હતા કે કેન્દ્રીય બેન્ક મોંઘવારીને કાબૂમાં લેવા માટે આવનારા સમયમાં કડક વલણ અખત્યાર કરશે. જેથી અર્થતંત્ર મંદીની ચપેટમાં આવવાની આશંકા છે. જેથી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. BSE સેન્સેક્સ 1020.80 પોઇન્ટ તૂટી 58,098.92ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 302.45 તૂટીને 17,327.35ના મથાળે બંધ રહ્યો હતો.

આ સાથે ડોલરના મુકાબલે રૂપિયો 81ને પાર પહોંચ્યો હતો અને શુક્રવારે 81.23ના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. રૂપિયામાં ઘટાડાને કારણે FII ભારતીય સેરબજારોમાં થોભો અને રાહ જુઓની નીતિને અખત્યાર કરી રહ્યા છે.

આ ઘટાડાની સાથે BSEમાં લિસ્ટેડ કંપંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 4.9 લાખ કરોડ ઘટીને રૂ. 2,76,64,567 કરોડે આવી ગયું હતું. ગઈ કાલે આ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2,81,54,729.34 કરોડના સ્તરે હતું.

શેરબજારમાં સૌથી વધુ વેચવાલી પાવર, રિયલ્ટી અને બેન્ક શેરોમાં રહી હતી. બધા ઇન્ડેક્સોમાં વેચવાલી ફરી વળી હતી. એશિયાના અન્ય બજારોમાં મોટા ભાગનાં શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]