અમદાવાદઃ ફેબ્રુઆરી સિરીઝની એક્સપાયરીના એક દિવસ પહેલાં ઘરેલુ શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકાથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપમાં સૌથી વધુ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના બધા સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. એનર્જી, રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, ફાર્મા અને IT શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું.મિડકેપ ઇન્ડેક્સના આશરે 80 ટકા શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. BSEના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. છ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. PSU ઇન્ડેક્સમાં આશરે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 6.24 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સરકારી કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 1.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
બજાર વિશ્લેષકનું કહેવું હતું કે જે સંસ્થાકીય રોકાણકારોએ વધુ નફો રળ્યો છે, એ નફારૂપી વેચવાલી કરી રહ્યા છે. બજાર GDP ડેટા, PCE પ્રાઇસ ડેટા અને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI નંબર જેવા કેટલાક ઇકોનોમિક ઇન્ડિકેટર્સને પગલે બજારમાં ગભરાટ રહ્યો છે. વળી, US ગવર્નમેન્ટ પર વિના સ્પેન્ડિંગ બિલના એક માર્ચે પાર્શિયલ શટડાઉનનું જોખમ ઝળૂંબી રહ્યું છે.
સ્થાનિક બજારમાં ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 790 પોઇન્ટ તૂટીને 72,305ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 247 પોઇન્ટ તૂટીને 21,951ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્કમાં 625નો ઘટાડા સાથે 45,963ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 952 પોઇન્ટ તૂટીને 48,089ના સ્તરે બંધ થયો હતો.