સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 1270 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 26,000ની નીચે

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. નિફ્ટી અને સેન્સેક્સમાં આશરે બે મહિનાનો સૌથી મોટી ઇન્ટ્રા-ડે ઘટાડો થયો હતો. બજારમાં જિયોપોલિટિકલ ટેન્શનને કારણે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકા તૂટ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.55 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

વિદેશી રોકાણકારોએ સપ્તાહના પ્રારંભે ધૂમ વેચવાલી કરી હતી. રિલાયન્સ, ICICI બેન્ક, HDFC બેન્ક અને એક્સિસ બેન્કને લીધે સેન્સેક્સ 730 પોઇન્ટ તૂટ્યો હતો, જેમાં ઇન્ફોસિસ, M&M ભારતી એરટેલ, SBI અને ITCનો પણ ફાળો હતો. સૌથી વધુ વેચવાલી ઓટો શેરોમાં જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1272 પોઇન્ટ તૂટીને 84,300ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 368 પોઇન્ટ તૂટીને 25,811ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 233 પોઇન્ટ તૂટીને 60,148ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 856 પોઇન્ટ તૂટીને 52,978ની સપાટીએ બંધ આવ્યો હતો.

NSE પર કામચલાઉ ડેટા મુજબ FIIએ 27 સપ્ટેમ્બરે રૂ. 1209.10 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે DIIએ રૂ. 6886.65 કરોડની શેરોમાં ખરીદી કરી હતી.

આ સાથે બજારની નજર હવે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ નીતિવિષયક વ્યાજદરો પર ભાષણ આપશે, એના પર નજર છે. આ ઉપરાંત અમેરિકામાં જોબ ઓપનિંગ, ખાનગી ભરતીઓની સંખ્યા એટલે કે રોજગારી ડેટા અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ ISM સર્વે પર રહેશે. આ સાથે રોકાણકારોની નજર RBIની દ્વિમાસિક ધિરાણ નીતિ પર રહેશે તેમ જ આવનારા સમયમાં સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર રહેશે.

BSE એક્સચેન્જ પર કુલ 4193 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1821 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2218 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 154 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 399 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 293 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.