અમદાવાદઃ સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે નવી ઓલટાઇમ ઊંચી સપાટી બનાવી હતી. શેરબજારોમાં ખાનગી બેન્કોમાં આવેલી તેજીને લીધે શેરોમાં થઈ હતી. આ ઉપરાંત ક્રૂડમાં પણ છેલ્લા ચાર દિવસમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ સૌપ્રથમ વાર 74,000ને પાર થઈને 74,151 થયો હતો, જયારે નિફ્ટીએ 22,497ની નવી ઊંચી સપાટી સર કરી હતી. સ્થાનિક શેરબજારોમાં પસંદગીના શેરોમાં તેજી સીમિત રહી હતી. મોટા ભાગના શેરોમાં નપારૂપી વેચવાલી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 1.59 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
બજારના ટ્રેડિંગ સેશનમાં IT, બેન્કિંગ, અને ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી. ઓટો ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયો હતો, જેયારે PSE, એનર્જી અને મેટલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. BSE સેન્સેક્સ 408.86ની તેજી સાથે 74,085.99 બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 126.55 પોઇન્ટ વધીને 22,482ના સ્તરે બંધ થયો હતો. મિડકેપ શેરોમાં પણ વેચાણો કપાતાં સુધારો થયો હતો.
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 12 શેરો ઘટીને બંધ થયા હતા. એક્સચેંજ પર કુલ 3940 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 900 શેર તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2960 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 80 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 180 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 97 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.