અમદાવાદઃ મધ્ય-પૂર્વમાં ટેન્શનને કારણે ઘરેલુ શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. આ સાથે સેબીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ્સના નવા નિયમોની અસરને લીધે બજારમાં જોરદાર નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી અને બેન્ક નિફ્ટી બે ટકા જેટલા તૂટ્યા હતા. બજારમાં છેલ્લા બે મહિનામાં આ સૌથી મોટો ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ આશરે બે ટકા તૂટ્યા હતા રોકાણકારોની સંપત્તિમાં રૂ. 10 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
બજારમાં ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી બેન્ક, એનર્જી અને ઇન્ફ્રા સહિત બધા 13 સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. મોટા ભાગના ઇન્ડેક્સ બે-ત્રણ ટકા તૂટ્યા હતા. વોલેટિલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા VIXમાં પણ 13 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી સેન્સેક્સ 1769.19 પોઇન્ટ તૂટીને 82,497.10ની સપાટી બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 546.80 પોઇન્ટ તૂટીને 252,250.10ના મથાળે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 1077.40 તૂટીને 51,845.20ના મથાળે બંધ આવ્યો હતો.
માર્કેટ વોચ ડોગ સેબી તરફથી F&Oના નવા નિયમોની જાહેરાત પછી ટ્રેડિંગ વોલ્યુમ ઘટવાની આશંકા છે. આ ઉપરાંત વીકલી એક્સપાયરીના કોન્ટ્રેક્ટની સાઇઝ અને લિમિટ વધવાને કારણે રિટેલ ભાગીદારી ઘટવાની આશંકા છે. એનાથી બજારની લિક્વિડિટી પર અસર પડશે. આ ઉપરાતં FII ભારતીય બજારોમાં વેચવાલી કરી રહ્યા છે. વળી ચીનની કેન્દ્રીય બેન્કે અર્થતંત્રને મંદીના સંકટમાંથી બહાર કાઢવા માટે રાહત પેકેજનું એલાન કર્યું છે, જે પછી ચીનના શેરબજારમાં તેજી જોવા મળી છે. જેથી FII ચીનનું વેલ્યુએશન આકર્ષ લાગતાં તેઓ ચીન તરફ મૂડીરોકાણ વાળી રહ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું છે અને હજી વધવાની આશંકા છે.
BSE એક્સચેન્જ પર કુલ 4076 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1120 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2866 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 90 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 313 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 284 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.