અમદાવાદ– શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. બેંક, આઈટી, ઓટોમોબાઈલ અને એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલી નિકળતાં સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ પર બંધ રહ્યા હતા. તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી ચાલુ રહી હતી, તેની સાથે સ્થાનિક નાણા સંસ્થાઓની પણ લેવાલી ચાલુ રહી હતી. પરિણામે માર્કેટ નવા શિખર સર કર્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 70.31(0.21 ટકા) વધી 34,000ની સપાટી કૂદાવી 34,010.61 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 38.50(0.37 ટકા) વધી 10,500ની સપાટી કૂદાવી 10,531.50 બંધ થયો હતો.
- ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 34,061.88 અને નિફટીએ 10,545.45 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી.
- નિફટીને 10,000થી 10,500 સુધીની સફર કાપવામાં 52 ટ્રેડિંગ સેશનનો સમય લાગ્યો હતો.
- સેન્સેક્સ ઈતિહાસમાં પહેલીવાર 34,000ની સપાટી કૂદાવી ગયો હતો, અને માર્કેટ ખુલતાની સાથે રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો.
- વેલસ્પનને નવો ઓર્ડર મળ્યો છે, જે સાથે કુલ ઓર્ડર બુક સાઈઝ રૂપિયા 7400 કરોડ થઈ ગઈ છે, જે સમાચાર પછી વેલસ્પનમાં નવી લેવાલીથી શેરના ભાવમાં 14 ટકાનો ઉછાળો આવ્યો હતો.
- સોમવારે 25 ડિસેમ્બરને નાતાલની રજા પછી આજે માર્કેટ હાઈ લેવલ પર જ ખુલ્યું હતું.
- એશિયાઈ સ્ટોક માર્કેટ શરૂમાં મજબૂત ખુલ્યા પછી માઈનસ થયા હતા. ડિસેમ્બર એન્ડિંગને કારણે એશિયાઈ સ્ટોક માર્કેટમાં પ્રોફિટબુકિંગ આવ્યું હતું.
- બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ટ્રેડ કરતાં હતા, તેમ છતાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય હતું.
- રેકોર્ડબ્રેક તેજીમાં પણ પીએસયુ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
- રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 133.16 પ્લસ બંધ રહ્યો હતો.
- બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 120.60 પ્લસ બંધ થયો હતો.
- એલ એન્ડ ટીને રૂપિયા 3355 કરોડનો ઓર્ડર મળ્યો છે.
- પિડિલાઈટના શેરને બાયબેકની મંજૂરી મળી છે.