સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર દંડ ફટકાર્યો, જાણો કેમ?

નવી દિલ્હીઃ મૂડી નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બે વ્યક્તિઓ પર વર્ષ 2020માં સોશિયલ મિડિયા કંપની ફેસબુકના જિયોમાં મૂડીરોકાણના સોદાની વિગતો શેરબજારોને સીધી માહિતી નહીં આપવા બદલ કુલ રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે. સેબીએ કંપની અને કોમ્પ્લાયન્સ અધિકારીઓ- સાવિત્રી પારેખ અને કે સેતુરામનને સંયુક્ત રીતે રૂ. 30 લાખનો દંડ ભરવા આદેશ કર્યો હતો. સેબીએ આ ઓર્ડર મળ્યાના 45 દિવસમાં દંડ ભરવા આદેશ કર્યો છે.   

સેબીએ આ આદેશમાં કહ્યું હતું કે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા હિસ્સો લેવા માટે ફેસબુકે 43,574 કરોડ (5.7 અબજ ડોલર)ના મૂડીરોકાણના સોદા વિશે માર્ચ, 2020એ ન્યૂઝ આવ્યા હતા, જ્યારે એ વિશે શેરબજારોને માહિતી 22 એપ્રિલ, 2020એ આપવામાં આવી હતી.

માર્કેટ વોચડોગે કહ્યું હતું કે એ સોદા દરમ્યાન રિલાયન્સના શેરોમાં આવેલા ઉછાળાને લીધે કેટલો નફો ઘરભેગો કરવામાં આવ્યો એના આંકડા ઉપલબ્ધ નથી, સેબીને તપાસમાં માલૂમ પડ્યું હતું કે આ સોદાની માહિતી 24 માર્ચ, 2020એ ફાઇનાન્શિયલ ટાઇમ્સમાં પ્રકાશિત થઈ હતી, જ્યારે રિલાયન્સના શેરોમાં 25 માર્ચે ઇન્ટ્રા-ડેમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે આ સોદાની વિગતો શેરબજારોમાં સત્તાવાર આપવામાં આવ્યા પછી કંપનીના શેરોમાં 10 ટકાનો ઉછાળો આવ્યો હતો.