ડિફોલ્ટર જાહેર થયા છતા SBI એ નીતિન સાંડેસરાને આપી 1300 કરોડ રુપિયાની લોન…

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક કન્સોર્ટિયમ દ્વારા બેંક ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છતા પણ સ્ટર્લિંગ ગ્રુપને 1300 કરોડ રુપિયાની લોન આપવાના મામલાનો ખુલાસો થયો છે. ખાસ વાત એ છે કે સ્ટર્લિંગ ગ્રુપને ડિફોલ્ટર જાહેર કરનારી બેંક, સ્ટેટ બેંકની જ સહયોગી બેંક છે, જેનો અત્યારે સ્ટેટ બેંકમાં વિયલ થયો છે. આપને જણાવી દઈએ કે સ્ટર્લિંગ ગ્રુપના માલિક નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા પર 8 હજાર કરોડ રુપિયાથી વધારેનું ફ્રોડ કરીને દેશ છોડીને ભાગી જવાનો આરોપ છે. અત્યારે નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા નાઈજીરીયામાં હોવાની વાતો સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ બેંક ઓફ મેસૂરે સ્ટર્લિંગ ગ્રુપને 80.90 કરોડ રુપિયાની લોન આપી હતી. પરંતુ હવે સ્ટર્લિંગ ગ્રુપ દ્વારા આ રકમની ચૂકવણી નથી કરવામાં આવી તો સ્ટેટ બેંક ઓફ મૈસૂરે વર્ષ 2012માં સ્ટર્લિંગ ગ્રુપને મુંબઈમાં કોર્ટનો રસ્તો બતાવ્યો અને સ્ટર્લિંગ ગ્રુપના પ્રમોટર વિરુદ્ધ ધરપકડનો વોરન્ટ જાહેર કર્યો. આટલું જ નહી પરંતુ સ્ટેટ બેંક ઓફ મૈસુરે વર્ષ 2014માં સ્ટર્લિંગ ગ્રુપને રિઝર્વ બેંકના નિયમો અનુસાર, લોન ડિફોલ્ટર જાહેર કરી દીધી.

હવે ખુલાસો થયો છે કે લોન ડિફોલ્ટર જાહેર થયા છતા પણ વર્ષ 2015માં સ્ટેટ બેંક ઈન્ડિયાના એક સંઘે લોન ડિફોલ્ટર સ્ટર્લિંગ ગ્રુપની કંપની સ્ટર્લિંગ ગ્લોબલ ઓઈલ રિસોર્સીઝ લિમિટેડને 1300 કરોડ રુપિયાની લોનની મંજૂરી આપી. આરબીઆઈના સ્પષ્ટ દિશા-નિર્દેશ છે કે કોઈપણ પ્રમોટર કે કંપની, કે જે લોન ડિફોલ્ટર લિસ્ટમાં શામિલ છે, તેને નવી લોન ન આપી શકાય. એટલા માટે હવે એસબીઆઈનો આ સંઘ તપાસ એજન્સીઓના નિશાના પર આવી ગયો.
અહીંયા એ વાત પણ ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ ગ્રુપને 1300 કરોડ રુપિયાની લોનની મંજૂરી આપનારા એસબીઆઈના સંઘમાં બેંક ઓફ બરોડા પણ શામિલ હતી. જ્યારે બેંક ઓફ બરોડાની લંડન શાખાએ સ્ટર્લિંગ ગ્રુપ માટે ECB ની વ્યવસ્થા કરી હતી, જે બાદમાં બેંકે એનપીએની શ્રેણીમાં નાંખી દીધી.