મુંબઈઃ જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલના હસ્તે બીએસઈ પર સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ટ્રેડિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ડિલિવરી આધારિત કાર્બન સ્ટીલ બિલેટ્સના કોન્ટ્રેક્ટ છે. આ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ એસયુએફઆઈ સાથે મળીને ડિઝાઈન કરવામાં આવ્યા છે.
તાજેતરમાં રૂ.1.11 લાખ કરોડનો નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન (એનઆઈપી)ની જાહેરાત કરવામાં આવી છે. તેમ જ રૂ.20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને સ્પેશિયાલિટી સ્ટીલ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (પીએલઆઈ) જાહેર કરવામાં આવી છે જે સ્ટીલ ક્ષેત્ર માટે સારા ભાવિનો સંકેત છે. આ પશ્ચાદભૂમાં સ્ટીલ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ઉત્પાદકો માટે તેમ જ ગ્રાહકો માટે અતિ ઉપયોગી બની રહેશે અને તેઓ જોખમને સારી રીતે મેનેજ કરી શકશે.
અન્ય કોમોડિટીઝથી વિપરીત દેશના સ્ટીલ ઉદ્યોગમાં ભાવ નક્કી કરવા અથવા ભાવના જોખમને સરભર કરવા માટે જરૂરી પારદર્શક બેન્ચમાર્ક નો અભાવ છે. બીએસઈ પર સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ લોન્ચ થવાના પરિણામે સ્ટીલની ફિઝિકલ સપ્લાય ચેઈન ભાવના જોખમને નિવારવામાં ઉત્તમ સ્થિતિમાં હશે એમ સજ્જન જિંદાલે કહ્યું હતું.
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે સ્ટીલ બિલેટના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો પ્રારંભ દેશની કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વધુને વધુ પ્રોડક્ટ ઓફર કરવાના બીએસઈના લાંબા ગાળાના વિઝનનો હિસ્સો છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આ કોન્ટ્રેક્ટ સ્ટીલ વેપાર ક્ષેત્રના હિતધારકોને જોખમના સંચાલનમાં સહાય કરશે અને તેમાં અમે વધુને વધુ હિતધારકોની સામેલગીરી ઈચ્છીએ છીએ.
એસયુએફઆઈના પ્રમુખ નિકુંજ તુરખિયાએ કહ્યું કે બીએસઈ એસયુએફઆઈ સ્ટીલ બિલેટ્સ ફ્યુચર્સ પ્રાઈસીસ સ્ટીલ ટ્રેડિંગ માટે સંદર્ભ દરની ગરજ સારે. બીએસઈ અને એસયુએફઆઈને વિશ્વાસ છે કે સ્ટીલની ફિઝિકલ માર્કેટના હિતધારકો તેમનાં વિવિધ સ્ટીલ પ્રોડક્ટ્સને બેન્ચમાર્ક કરી શકશે.
કોન્ટ્રેક્ટમાં ટ્રેડિંગ યુનિટ 10 મેટ્રિક ટન છે અને બેઝ વેલ્યુ ટનદીઠ દર્શાવવામાં આવશે. કોન્ટ્રેક્ટની ટિક સાઈઝ રૂ.10 છે, જ્યારે મહત્તમ ઓર્ડરની સાઈઝ 500 મેટ્રિક ટનની છે. ડિલિવરી પોઈન્ટ રાયપુર છે.