ટેલિકોમ ક્ષેત્રે વોડાફોન આઇડિયા નાદાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારે દેવાંમાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે AGR લેણાંમાં સુધારો કરવાની ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દીધી છે. જેથી વોડાફોન આઇડિયાની ફંડ એકત્ર કરવાના પ્રયાસને અસર થવાની શક્યતા છે. એનાલિસ્ટોના કહેવા મુજબ હવે કંપની પાસે નાદારી માટે અરજી આપ્યા વિના કોઈ વિકલ્પ નથી.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટેલિકોમ માર્કેટમાં ચાલી રહેલી હરીફાઈને જોતાં કંપની હાલ બહુ વધારે ટેરિફ વધારવાની સ્થિતિમાં નથી. આવામાં કંપનીને સરકાર તરફથી કોઈ મોટું રાહત પેકેજ નથી મળે તો કંપની માટે આવતા વર્ષના એપ્રિલ પછી માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ છે. વળી કંપની પાસે વિકલ્પ ઝડપથી ઘટી રહ્યા છે, એમ એક ઇક્વિટી રિસર્ચના વડા મયૂરેશ જોશીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કંપનીને આવતા વર્ષના એપ્રિલ સુધી રૂ. 24,000 કરોડથી વધુની ચુકવણી કરવાની છે અને ફન્ડિંગ વગર કંપની માટે બધા વિકલ્પ પૂરા થઈ જાય છે તો ટેલિકોમ ક્ષેત્રમાં બે જ કંપનીઓ- રિલાયન્સ જિયો અને એરટેલ બચી જશે.

સુપ્રીમ કોર્ટે વોડાફોન આઇડિયા અને એરટેલની અરજી ફગાવી દીધી હતી. આ કંપનીઓએ ટેલિકોમ વિભાગે AGR કેલ્ક્યુલેશનમાં સુધારા માટે એ અરજી કરવામાં આવી હતી. એક ટોચની વૈશ્વિક બ્રોકરેજના એક એનાલિસ્ટે કહ્યું હતું કે કંપની ટૂંક સમયમાં બેન્કરપ્સી કોર્ટમાં જઈ શકે છે, કેમ કે AGR લેણાંને મામલે એના લીગલ વિકલ્પ પૂરા થઈ જાય છે. કંપની પર રૂ. 1.8 લાખ કરોડનાં ભારે દેવાં છે, જ્યારે કંપની પાસે માત્ર રૂ. 350 કરોડની રોકડ છે. કંપની છેલ્લા 10 મહિનાઓથી રૂ. 25,000 કરોડ એકત્ર કરવાના પ્રયાસ કરી રહી છે, જેમાં કંપની હજી સુધી નિષ્ફળ રહી છે.