નવી દિલ્હી- જેટલી ઝડપી બેન્કિંગ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે, એટલી ઝડપથી ઓનલાઈન બેન્કિંગ છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. ફ્રોડ કરનારા સરળતાથી તમારા બેન્ક એકાઉન્ટમાં દાખલ થઈને તમારી કમાણી પર હાથ સાફ કરી લેતા હોય છે. એવા ઘણા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, જેમાં હેકર્સ ગણતરીની સેકન્ડ્સમાં બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.જો ફ્રોડ કરનારા આપના બેન્ક એકાઉન્ટ સુધી સરળતાથી પહોંચી શકતા હોય તો એના માટે તમે પોતે જ જવાબદાર છો. આ આદતો આપને સામાન્ય લાગી શકે છે પણ તેનાથી આપને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. અમે આપને જણાવીશું કેટલીક એવી બાબતો જેનાથી તમે તમારા પૈસાને સુરક્ષિત રાખી શકો છો.
એક કોમન આદત આપણામાં હોય છે કે, આપણે તમામ બેન્ક ખાતા અથવા ક્રેડિટ, ડેબિટ કાર્ડ માટે એક જ પાસવર્ડ રાખીએ છીએ. આમ કરવાથી પણ મોટી સમસ્યા સર્જાઈ શકે છે. આમ કરવાથી જ્યારે કોઈ વ્યક્તિ પાસે તમારો પાસવર્ડ પહોંચી જાય છે ત્યારે દરેક બેન્ક એકાઉન્ટ અથવા ક્રેડિટ, ડેબિટ કાર્ડ માટે નુકસાન થવાની શક્યતા સૌથી વધુ રહે છે.
આપણા સ્માર્ટફોનમાં દરરોજ મેસેજ અથવા ઈમેઇલ્સ આવતા હોય છે. જેના લીધે લોકો તેને ધ્યાનમાં નથી લેતા. પરંતુ આ મેસેજમાં બેન્ક તરફથી કરવામાં આવતા મેસેજ અથવા ઈમેઇલ્સ પણ હોય છે. જેના પર ધ્યાન આપવું જરુરી છે, કારણકે જ્યારે તમારા ખાતામાંથી કોઈ લેવડદેવડ થાય છે ત્યારે બેન્ક તમને મેસેજ મોકલે છે. આથી જો તમે બેન્કના મેસેજ પર ધ્યાન આપશો તો તમારા એકાઉન્ટમાંથી કોઈ ગેરકાયદે ટ્રાન્ઝેક્શનની માહિતી આપને સમય રહેતા મળી શકે છે.
એ વાત આપણે સૌ જાણીએ છીએ કે, પાસવર્ડ જેટલો સરળ હશે તેને તોડવાનું પણ તેટલું જ સરળ હશે. કેટલાક લોકો સરળ પાસવર્ડ રાખે છે કારણકે, તેઓ માને છે કે, અઘરો પાસવર્ડ કદાચ ભૂલી જશે. પરંતુ આ આદત ટાળવી જોઈએ. તમારે પાસવર્ડ હંમેશા એવો રાખવો જોઈએ કે, જે મુશ્કેલ હોય અથવા લોકો તેનું અનુમાન કરી શકે નહીં. એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે, મજબૂત પાસવર્ડમાં વિશિષ્ટ અક્ષરો, આંકડાઓ અને થોડાક શબ્દોનો સમાવેશ કરવો જોઈએ. જેથી પાસવર્ડને વિશેષ બનાવી શકાય.