ડૉલર સામે રુપિયો 70ને પાર, અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો

નવી દિલ્હી- ડૉલરની સરખામણીએ ભારતીય ચલણ રુપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાંક સમયથી જાણકારો જેની આશંકા વ્યક્ત કરી રહ્યાં હતાં કે, રુપિયો 70ને પાર થશે તે આશંકા આખરે સાચી પડી રહી છે. અને મંગળવારે ડોલર સામે રુપિયો પ્રથમ વખત 70નો આંક વટાવી ગયો છે.મંગળવારે ડૉલરની સરખામણીએ રુપિયો થોડો મજબૂત રહ્યો અને કારોબારની શરુઆત 69.85ના સ્તરે કર્યા બાદ રુપિયામાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટની શરુઆતમાં રુપિયો ફરી એકવાર નબળો પડવાની શરુઆત થઈ હતી. અને એક સમયે ડૉલરની સરખામણીમાં રુપિયો 70.07ના સ્તરે પહોંચી ગયો હતો.

આપને જણાવી દઈએ કે, સોમવારે ડૉલરની સરખામણીએ રુપિયો મોટા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સોમવારે રુપિયામાં 110 પૈસાનો મોટો કડાકો નોંધાયો હતો અને રુપિયો 69.96ના સ્તરે બંધ રહ્યો હતો. આ પહેલાં સપ્તાહના અંતે શુક્રવારે રુપિયો 68.83ના સ્તરે બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બર 2013 બાદથી આ પ્રથમ ઘટના છે જ્યારે રુપિયામાં સિંગલ સેશનમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.

હકીકતમાં રુપિયામાં નોંધાયેલા આ ઘટાડા માટે તુર્કી ક્રાઈસિસ જવાબદાર છે. તુર્કી ચલણમાં નોંધાયેલા ઘટાડાએ અમેરિકન ડોલરને મજબૂત કરવાનું કામ કર્યું છે. જેની સીધી અસર ભારતીય કરન્સી પર જોવા મળી છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તુર્કીમાં શરુ થયેલું આર્થિક સંકટ વિશ્વના અર્થતંત્ર ઉપર પણ પ્રતિકુળ અસર કરી શકે છે.