જેટ એરવેઝે SBI પાસે કરી ઈમરજન્સી ફન્ડિંગની માગ

મુંબઈ- હાલમાં જેટ એરવેઝ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અને તેણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે ઈમરજન્સી ફન્ડિંગના માગ કરી છે. પરંતુ વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સે જેટ એરવેઝની મુશ્કેલી વધારી હોય તેમ લાગી રહ્યું છે. જો વિજય માલ્યાની કિંગ ફિશર એરલાઈન્સે બેન્કોની લોન ચુકવવામાં આનાકાની ન કરી હોત તો કદાચ આજે જેટ એરવેઝને આ દિવસ જોવાનો વારો આવ્યો નહોત.નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) પાસે ઈમરજન્સી ભંડોળ માટે મદદ માગી તો, વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સના કિસ્સામાં ભારે નુકસાન સહન કર્યા બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જેટ એરવેઝ પાસે લોન માટે કડક શરતો રાખી દીધી. જેમાં વધુ કોલેટરલ આપવાની સાથે એરલાઈન્સ કંપનીની ભવિષ્યની યોજનાઓ અને કેશ ફ્લોની સ્થિતિ અંગે માહિતી પણ માગી લીધી.

સ્ટેટ બેન્કના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જણાવવામાં આવ્યું કે, ‘જેટ એરવેઝના મેનેજમેન્ટ સાથે તેમની બેઠક યોજાઈ છે. એરલાઈન્સે બેન્ક પાસે વધુ આર્થિક મદદ માગી છે. તેમને વધુ લોન આપી શકાય તેમ છે. પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય એરલાઈન્સ તરફથી આપવામાં આવેલા તેમના ભવિષ્યના પ્લાન પર આધારિત હશે.

સૂત્રોએ જણાવ્યું કે, જેટ એરવેઝના CEO વિનય દૂબેએ વ્યક્તિગત રીતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ટૉપ મેનેજમેન્ટ સાથે મુલાકાત કરીને મદદ માગી છે. જોકે, SBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ અંગેનો કોઈ પણ નિર્ણય બેન્ક ઉતાવળથી લેશે નહીં. આ અંગે જેટ એરવેઝને મોકલવામાં આવેલા ઈ-મેલનો હજી સુધી કોઈ જવાબ નહીં આવ્યો હોવાનું પણ બેન્કે જણાવ્યું છે.