માલ્યા-ચોક્સી-નીરવની જપ્ત કરાયેલી મિલકત બેન્કોને ટ્રાન્સફર કરાઈ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ જણાવ્યું છે કે તેણે ભાગેડૂ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની જપ્ત કરાયેલી રૂ. 9.371 કરોડની કિંમતની મિલકતો તેમણે જેમની સાથે છેતરપીંડી કરી હતી તે ભારત સરકાર સંચાલિત બેન્કોને સુપરત કરી દેવામાં આવી છે જેથી તેઓ એમને ગયેલી ખોટ એમાંથી વસૂલ કરી શકે.

એક નિવેદનમાં, ઈડી એજન્સીએ કહ્યું છે કે માલ્યા, ચોક્સી અને નીરવે એમની કંપનીઓ મારફત ફંડ પચાવી પાડ્યું હતું જેને કારણે બેન્કોને બધું મળીને કુલ રૂ. 22,585.83 કરોડની ખોટ ગઈ છે. એજન્સીએ અન્ય કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ નોંધાવેલી એફઆઈઆરના આધારે ત્રણેય ભાગેડૂ ઉદ્યોગપતિઓ સામે કેસ નોંધ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય આરોપી ઉદ્યોગપતિએ એમના તાબા હેઠળની નકલી કંપનીઓનો ઉપયોગ કર્યો હતો અને બેન્કોએ આપેલા ભંડોળને પચાવી પાડ્યું હતું. ઈડીએ રૂ. 18,170.02 કરોડની કિંમતની સંપત્તિ જપ્ત કરી છે અથવા એની પર ટાંચ મારી છે, જેમાં રૂ. 969 કરોડની કિંમતની સંપત્તિનો પણ સમાવેશ થાય છે જે આરોપીઓએ વિદેશોમાં ભેગી કરી હતી.