નવી દિલ્હીઃ ભારત અને બંગલાદેશની વચ્ચે પાછલાં કેટલાંક વર્ષોમાં વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. દક્ષિણ એશિયામાં બંગલાદેશ ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે, પણ બંગલાદેશમાં તખતાપલટા પછી બંને દેશો વચ્ચેના વેપારમાં અત્યાર સુધી રૂ. 10 લાખ કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. બંને દેશો વચ્ચે આશરે વર્ષેદહાડે 14 અબજ ડોલરનો વેપાર થાય છે.
બંગલાદેશમાં હિંસા જારી રહેશે તો બંને દેશો વચ્ચે વેપાર હાલપૂરતો ઠપ થઈ શકે છે, જેની સીધી અસર ભારતના કૃષિથી માંડીને બંગલાદેશની ફેશન કલોથ ઇન્ડસ્ટ્રી સુધી પ્રતિકૂળ પડે એવી શક્યતા છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં બંગલાદેશે ભારતમાં 1.97 અબજ ડોલરનો માલસામાન નિકાસ કર્યો હતો, પરંતુ ભારતમાંથી બંગલાદેશે આશરે 12 અબજ ડોલરનો માલસામાન આયાત કર્યો હતો. બંગલાદેશ પ્રતિ વર્ષ આશરે 46 અબજ ડોલરનાં કપડાંની નિકાસ કરે છે, જેમાં ભારતમાં કરવામાં આવેલાં 1.97 અબજ ડોલરની નિકાસમાં પણ રેડીમેડ ગારમેન્ટ્સનો હિસ્સો સૌથી મોટો હોય છે. આ સિવાય ભારત બંગલાદેશમાં જૂટ અને માછલીની પણ આયાત કરે છે, જ્યારે ભારત બંગલાદેશમાં ચોખા, ઘઉં, સુગર, બટાટા અને ડુંગળી જેવાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે. આ ઉપરાંત ભારત કપાસ, મશીનરી, વગેરેની પણ નિકાસ કરે છે. બંને દેશો વચ્ચે હાલ વેપાર ઠપ છે. બંને દેશોની સરહદે ટ્રકોની લાંબી લાઇન લાગેલી છે, જે સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહી છે. પશ્ચિમ બંગાળ સ્થિત નિકાસકાર સંજય બુધિયાએ જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચે ઉદભવેલા સંકટથી વેપાર પર પ્રતિકૂળ અસર પડે એવી શક્યતા છે.
બંગલાદેશના પનામા પોર્ટ પરથી માલ ઉતારવા દરમ્યાન આશરે સૌ ટ્રકચાલક હજી પણ ફસાયેલા છે. એ બધા ટ્રક ડ્રાઇવરોને પરત મોકલવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, એમ BSFનાં સૂત્રોએ જણાવ્યું હતું.