મુંબઈ – અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઈમાં તેનો પાવર બિઝનેસ અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશનને વેચી દીધો છે. આ સોદો રૂ. 18,800 કરોડમાં થયો છે.
અનિલ અંબાણીએ કહ્યું કે અદાણી ટ્રાન્સમિશન સાથે સોદાની જાહેરાત કર્યાના માત્ર 8 મહિનામાં જ આ સોદો પૂરો કરવામાં આવ્યો છે.
અનિલ અંબાણીનું વધુમાં કહેવું છે કે મુંબઈમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને વેચી દેવાથી કંપનીની ગાડી ફરી પાટા પર આવશે અને તે આવતા વર્ષ સુધીમાં દેવામાંથી મુક્ત થઈ જશે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કુલ દેવું રૂ. 22,000 કરોડનું છે જે મુંબઈનો પાવર બિઝનેસ અદાણીને વેચી દેવાથી ઘટીને રૂ. 7,500 કરોડ થઈ જશે.
ગયા અઠવાડિયે રિલાયન્સ ઈન્ફ્રા રૂ. 133.38 કરોડની રકમના નોન-કન્વર્ટિબલ ડીબેન્ચર્સ ઉપર મુખ્ય રકમ તથા વ્યાજની ચૂકવણીના મામલે ડીફોલ્ટ જાહેર થઈ હતી.
અદાણી ગ્રુપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) દ્વારા હસ્તાંતરણ બાદ મુંબઈમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની નવા નામે ઓળખાશે – અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML).