રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્ડિયા-આઈએનએક્સ પર ફોરેન-કરન્સી-બોન્ડ્સ લિસ્ટ કર્યાં

મુંબઈ તા.17 ફેબ્રુઆરી, 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સૌપ્રથમ વાર તેનાં 7 અબજ યુએસ ડોલરથી અધિકનાં બોન્ડ્સ ગિફ્ટ આઈએફએસસીમાં ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટ કર્યાં છે. કોઈ ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા લિસ્ટિંગ થયાનો આ પ્રથમ બનાવ છે. આમાં તાજેતરમાં ઈશ્યુ કરાયેલાં 4 અબજ ડોલરનાં જંબો બોન્ડ્સનો પણ સમાવેશ થાય છે. કોઈ ભારતીય કંપની દ્વારા આટલો જંગી બોન્ડ ઈશ્યુ કરવાની આ  પ્રથમ ઘટના છે.

આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે ઈન્ડિયા આઈએનએક્સ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સ્વાગત છે અને આ ક્ષણ અમારા માટે ગર્વની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ એવી કંપની છે જેણે અમારા આઈએફએસસીની સર્વિસીસ પ્રાપ્ત કરી છે. અમને ખાતરી છે કે આનાથી અન્ય કંપનીઓને પણ રિલાયન્સને અનુસરવાનો વિશ્વાસ આવશે. આ સાથે અમારા પ્લેટફોર્મ પર બોન્ડ લિસ્ટિંગ્સ 41 અબજ યુએસ ડોલરનાં થઈ ગયાં છે. મીડિયમ-ટર્મ નોટ્સ સાથે કુલ લિસ્ટિંગ 58 અબજ ડોલરનાં થયાં છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જોઈન્ટ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર શ્રીકાંત નેંકટચારીએ કહ્યું કે અમને તાજેતરમાં લોન્ચ કરાયેલાં 4 અબજ ડોલરનાં જંબો બોન્ડ સહિતનાં ફોરેન કરન્સી બોન્ડ્સના ઈન્ડિયા આઈએનએક્સમાં થયેલા લિસ્ટિંગની ખુશી છે. તેનું લિસ્ટિંગ માળખું અને લિસ્ટિંગ પ્રક્રિયા વિશ્વ સ્તરની છે. અમે ઈન્ડિયા આઈએનએક્સ સાથે લાંબા ગાળાનું જોડાણ ઈચ્છીએ છીએ.