ચાર પ્રાદેશિક એસોસિએશન સાથે BSEના કરાર

મુંબઈ : ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર) અને ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જને ઉત્તેજન આપવા   બીએસઈએ મહારાષ્ટ્ર અને તામિલ નાડુનાં ચાર પ્રાદેશિક એસોસિએશન્સ સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ એસોસિએશન છે, તિરુનેલવેલી ગોલ્ડ ડાયમંડ જ્વેલરી ટ્રેડર્સ એસોસિયેશન, નાંદેડ સરાફ એસોસિએશન, સરાફ સુવર્ણકાર સંઘટના પુસાદ અને ગઢચિરોલી જિલ્લા સરાફ એસોસિએશન. આ ચાર એસોસિએશનના સંયુક્તપણે એક હજાર જેટલા સભ્યો છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું કે આ એમઓયુ દ્વારા બીએસઈ અને એસોસિએશન્સ તેમની સંયુક્ત ક્ષમતા, જ્ઞાન અને નૈપુણ્ય દ્વારા સ્પોટ ગોલ્ડ ટ્રેડિંગમાં તેમના હિતધારકો માટે નવસર્જન અને વિકાસ કરી શકશે. ઈજીઆર સેગમેન્ટને ગોલ્ડ સપ્લાયની ગુણવત્તા, કાર્યક્ષમ ભાવસંશોધન અને વ્યવહારમાં પારદર્શિતાથી લાભ થશે.

તિરુનેલવેલી ગોલ્ડ સિલ્વર ડાયમન્ડ જ્વેલરી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ ટાક એમ. કોમ્બિયાહ પાંડિયને કહ્યું આ એમઓયુથી 140થી અધિક મેમ્બર્સ ભાવનું જોખમ ઘટાડી શકશે અને ઉત્તમ ગુણવત્તાનું સોનું પ્રાપ્ત કરી શકશે. નાંદેડ સરાફ એસોસિએશનના સેક્રેટરી સુધાકર ગોપીનાથ ટાકે કહ્યું કે અમે બુલિયન, રત્નો અને જ્વેલરી ક્ષેત્રના વિકાસના માર્ગો વિચારી રહ્યા હતા ત્યારે બીએસઈ સાથેના સમજૂતી કરારનો અમને આનંદ છે.

સરાફ સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ સંદીપ જિલ્હેવારે કહ્યું હતું કે અમારો વેપાર બીએસઈના ગોલ્ડ હેજિંગ અને અન્ય ટૂલ્સ મારફત જરૂર વધશે. ગઢચિરોલી જિલ્લા સરાફ એસોસિએશનના પ્રમુખ રત્નાકર બોગોજુવારે કહ્યું હતું કે સોનાના હેજિંગ દ્વારા અમારા વેપારને રક્ષવાની અમને અત્યારે આવશ્યકતા છે.

આ એમઓયુનો હેતુ સૂચિત ઈજીઆર બજારને અને કોમોડિટીઝ સેગમેન્ટમાં વૃદ્ધિ અને વિકાસને વેગ આપવાનો છે. આ એમઓયુ જાણકારી અને સંશોધનના પરસ્પર આદાનપ્રદાન ઉપરાંત એમઓયુ સ્થાનિક સ્તરે ભારતીય બજારોમાં ઈજીઆરના પ્રમાણીકરણમાં અને કિંમતની પારદર્શિતામાં સહાય કરશે. ગિફ્ટ સિટી ખાતેના ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જને પ્રમોટ કરવામાં પણ આ એમઓયુ સહાય કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]