રીટેલ મોંઘવારી આંક વધીને 5.54 ટકા થયો; ત્રણ વર્ષમાં સૌથી ઊંચો છે

મુંબઈ – વીતી ગયેલા નવેંબર મહિનામાં રીટેલ મોંઘવારી (ફૂગાવો)નો આંક વધીને 5.54 ટકા નોંધાયો હતો જે ઓક્ટોબરમાં 4.62 હતો.

2016ના જુલાઈ મહિનાથી લઈને અત્યાર સુધીમાં આ આંક સૌથી ઊંચો છે.

કેન્દ્રીય આંકડા અને યોજના અમલીકરણ મંત્રાલયે આ વિગતો બહાર પાડી છે.

કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)ને રીટેલ ફૂગાવો અથવા છૂટક ફૂગાવો કહેવામાં આવે છે. આમાં આવેલો ઉછાળાનું કારણ છે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં થયેલો વધારો. કન્ઝ્યૂમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ અથવા અન્ન ફૂગાવાનો દર 10.01 ટકા નોંધાયો છે.

ગયા માર્ચમાં કાંદાના ભાવમાં વધારો થવાનું શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં એ ભાવ 400 ટકા વધી ગયા છે. એવી જ રીતે, શાકભાજીના ભાવ ઓક્ટોબરમાં 26.10 ટકા વધ્યા હતા તે નવેંબરમાં 35.99 ટકા વધી ગયા હતા.

કઠોળના ભાવમાં 13.94 ટકાનો વધારો નોંધાયો છે જે આંક ઓક્ટોબરમાં 11.92 ટકા હતો.

ફૂગાવાના આ આંક અંગે પ્રત્યાઘાત આપતાં નિષ્ણાતોનું કહેવું છે કે આ સ્પષ્ટ સંકેત દર્શાવે છે કે દેશમાં આવનારા મહિનાઓમાં શાકભાજીના ભાવ વધવાનું ચાલુ રહેશે.

ભારતીય રિઝર્વ બેન્કે મોંઘવારીનું અનુમાન 5.1/4.7 ટકાનું દર્શાવ્યું છે.

  • ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં થોડોક સુધારો થયો છે, પરંતુ આંક હજી પણ નકારાત્મકમાં જ છે. ગયા સપ્ટેંબરમાં એ માઈનસ 5.4 ટકા હતો, જે હવે થોડાક વધારા સાથે 5.8 ટકા થયો છે.
  • ઈંધણની મોંઘવારીનો દર પહેલાં માઈનસ 2.02 ટકા હતો, તે વધીને માઈનસ 1.93 ટકા થયો છે.
  • હાઉસિંગ મોંઘવારી દર પહેલાં 4.58 ટકા હતો જે હવે 4.49 ટકા થયો છે.
  • અનાજોનો મોંઘવારી દર પહેલાં 2.16 ટકા હતો, જે વધીને 3.71 ટકા થયો છે.
  • કાપડ અને પગરખાંનો મોંઘવારી દર ઘટ્યો છે. એ પહેલાં 1.65 ટકા હતો, જે હવે 1.30 ટકા થયો છે.
  • જોકે જુદી જુદી દાળનો મોંઘવારી આંક 11.72 ટકાથી વધીને 13.94 ટકા થયો છે.
  • ઉત્પાદન વિકાસ દર માઈનસ 3.9 ટકા હતો જે વધીને માઈનસ 2.1 ટકા થયો છે.
  • કેપિટલ ગૂડ્સ વિકાસ દર માઈનસ 20.7 ટકા હતો, જે વધીને માઈનસ 21.9 ટકા થયો છે.