નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10 સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. કંપનીની ડિજિટલ વિંગ એટલે કે જિયો પ્લેટફોર્મ્સમાં આવેલા તાજા વૈશ્વિક મૂડીરોકાણ અને કંપનીના શેરના ભાવમાં આવેલા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચવાને કારણે અંબાણીની સંપત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અંબાણી ફોર્બ્સની અબજપતિઓની રિયલ ટાઇમ યાદીમાં નવમા સ્થાન પર છે. તેઓ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં નવમાં સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત શુક્રવારે રૂ. 1788ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં હાલમાં આવેલા ભારે મૂડીરોકાણને કારણે 63 વર્ષીય મુકેશ અંબાણીની કુલ સંપત્તિ સાડા 64 અબજ ડોલરે પહોંચી છે.
એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે
ફોર્બ્સના ટોચના માલેતુજારોની યાદીમાં એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે છે. તેમની પાસે 160 અબજ ડોલરની સંપત્તિ છે. ત્યાર બાદ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સનું સ્થાન આવે છે. ગેટ્સની પાસે કુલ 108.7 અબજ ડોલરની સંપત્તિ છે. ફ્રાંસના બર્નાર્ડ અર્નોલ્ટ અને તેમનો પરિવાર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની પાસે 103.2 અબજ ડોલરની સંપત્તિ છે.
ઝુકરબર્ગ ટોચના 10 શ્રીમંતોની યાદીમાં સૌથી નાની ઉંમરના
ફેસબુકના માર્ક ઝુકરબર્ગ 87.9 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. ઝુકરબર્ગ ટોચના 10 શ્રીમંતોની યોદીમાં સૌથી નાની ઉંમરના છે. ઝુકરબર્ગની વય માત્ર 36 વર્ષ છે. આ યાદીમાં વોરેન બફેટ પાંચમા નંબરે છે. બફેટની કુલ સંપત્તિ 71.4 અબજ ડોલર આંકવામાં આવી છે.
ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના
વિશ્વના 10 સૌથી શ્રીમંતોની યાદીમાં અમેરિકી ઉદ્યોગપતિઓનો દબદબો છે. ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના છે. ટોચના 10 શ્રીમંતોમાં ફ્રાન્સ અને સ્પેનના એક-એક ઉદ્યોગપતિ સામેલ છે.
આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન
આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન છે. ફોર્બ્સની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ મૂલ્યવાન કંપનીનું નેતૃત્વ કરે છે. અંબાણીની પાસે યુનિવર્સિટી ઓફ બોમ્બેથી બેચલર ઓફ સાયન્સ ઇન એન્જિનિયરિંગી ડિગ્રી છે.